ફરી એકવાર બાળક બોરમા પડી ગયુ હોવાની ઘટના સામે આવી છે.
ગઈ કાલે રાત્રે ધ્રાંગધ્રાના દુદાપુર ગામની એક વાડીમા આવેલા 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ બાદ તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ, અમદાવાદ NDRFની ટીમ સહિત સૌ કોઈ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.
આ સાથે અહી ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવાઈ હતી.
મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા આર્મી ટીમે જણાવ્યુ હતુ કે બાળક 30 ફૂટ પર અટકી ગયુ હતુ અને લગભગ 40 મિનિટમાં બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યુ હતુ.
બાળકને હેમખેમ બહાર કાઢ્યા બાદ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું અને ત્યારબાદ સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યું. હાલ બાળકની તબિયત સ્થિર છે.
આ બાળક મધ્યપ્રદેશથી આવેલા મજૂરી કામ કરતા મુનાભાઈનો દીકરો શિવમ છે. બાળકના પિતાએ જણાવ્યુ હતુ કે તેઓ વાડીમા કામ કરતા હતા અને પત્ની રસોઇ બનાવતી હતી.
આ દરમિયાન દીકરો શિવમ બહાર રમત રમતા બોરવેલમાં પડી ગયો.
જ્યારે તેનો રડવાનો અવાજ આવ્યો ત્યારે મેં ભાગીને જોયું તો બોરવેલમાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો.
આ બાદ અમે શેઠને વાત કરી અને રેસક્યુ ટીમ દ્વારા બાળકને નવજીવન મળ્યું.