વિવેક – (પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ)‘: ૩૬મી નેશનલ ગેમ્સ’ ગુજરાતના અલગ અલગ ૬ શહેરોમાં યોજાવાની છે. વર્ષ ૨૦૨૨ની ‘૩૬મી નેશનલ ગેમ્સ’ની યજમાની એ ગુજરાત માટે ગૌરવની બાબત છે. ત્યારે વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર એવાં અમદાવાદ ખાતે ‘નેશનલ ગેમ્સ-૨૦૨૨’ની વિવિધ ૧૫ સ્પોર્ટ્સ ઇવેન્ટ કુલ ૭ સ્થળો પર યોજાશે. સંસ્કારધામ સ્પોર્ટ્સ સંકુલ ખાતે તા. ૩૦ સપ્ટેમ્બર થી ૧૧ ઓક્ટોબર,૨૦૨૨ સુધી ખો-ખો, આર્ચરી, ઇન્ડિયન આર્ચરી અને મલ્લખંભની સ્પર્ધા યોજાશે જેને લઈને મોટા પાયે તમામ પ્રકારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
ગ્રાઉન્ડ તૈયાર કરવાથી લઈને પાર્કિંગની વ્યવસ્થા, ઈકવિપમેન્ટ્સ સેટિંગ, ભાગ લઈ રહેલા પ્રતિભાશાળી ખેલાડીઓ માટેની તમામ પ્રકારની સુવિધાઓના નિર્માણને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અમદાવાદ તૈયાર છે નેશનલ ગેમ્સના આયોજનને માટે! સમગ્ર અમદાવાદ અને અમદાવાદીઓમાં ‘નેશનલ ગેમ્સ’ને લઈ અનેરો ઉત્સાહ છે, આનંદ છે! અને ઉમંગ ચરમસીમાએ છે! ત્યારે દેશના ખૂણે ખૂણેથી ‘નેશનલ ગેમ્સ-૨૦૨૨’માં ભાગ લેનાર ખેલાડીઓને આવકારવા સંસ્કારધામ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, વિવિધ સ્પર્ધાઓના ઉદ્ઘાટન અને પ્રેઝન્ટેશનના સત્રમાં વિશેષ આમંત્રીતો, મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જે વિષયક તમામ તૈયારી કરી દેવાઈ છે. સંસ્કાર ધામ, અમદાવાદ ખાતે ખેલાડીઓ સહિતના સ્ટાફ માટે તબીબી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે ઉપરાંત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સહિતના વિવિધ પ્રોટોકોલનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. સંસ્કાર ધામ ખાતે યોજાનાર વિવિધ સ્પોર્ટ્સ ઈવેન્ટનું લાઈવ પ્રસારણ પણ થવાનું છે.