શહેરમાં ટ્રાફિકના નિયંત્રણ માટે નીમવામાં આવેલા ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ(ટીઆરબી)ના જવાનોને અમદાવાદ શહેરના પોલીસ વિભાગ દ્વારા ભ્રષ્ટાચારના આરોપસર છૂટા કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરના મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકના સંચાલનમાં ઢીલાશ વર્તાતી હોવાને કારણે ગંભીર અકસ્માતના ઘણાં કિસ્સા સામે આવી રહ્યા છે. જેના પરિણામે પોલીસ વિભાગ દ્વારા ટીઆરબીના ૨૦ જવાનોને નિષ્કાસિત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે લગભગ એક મહિના પહેલા આ જ કારણોસર ૭૦૦ જવાનોને છૂટા કરવામાં આવ્યા હતા.
સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીસ વિભાગ દ્વારા અન્ય ૭૦૦ ટીઆરબીના જવાનોની ભરતી કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ટ્રાફિક પોલીસના મુખ્યાયલને મળેલી ફરિયાદોને આધારે જવાનોને નિષ્કાસિત કરવામાં આવ્યા હતા. આ સિવાય શહેરમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી પણ લાંચ લેતા અને કામના કલાકો દરમિયાન ગાયબ રહેતા જવાનોની ઓળખ કરવામાં આવી હતી. નિષ્કાસિત જવાનોમાંથી અમુકને એસજી હાઈવે, એક્સપ્રેસ હાઈવે, એસપી રિંગ રોડ, એરપોર્ટ સર્કલ, ઈન્દિરા બ્રિજ સર્કલ, નવા નરોડા વગેરે વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
જાેઈન્ટ કમિશનર ઓફ પોલીસ મયંકસિંહ ચાવડા જણાવે છે કે, જ્યાં સુધી ૭૦૦ જવાનોની ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી બાકીના ૧૮૦૦ ટીઆરબી જવાનો ૨૦૦૦ ટ્રાફિક પોલીસકર્મીઓને મદદ કરશે. ઉલ્લેખનીય છે કે ટીઆરબીના જવાનોને ૩૦૦ રુપિયા પ્રતિ દિવસ આપવામાં આવે છે. સૂત્રો દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે આ જવાનો પાસે ઘણીવાર ઓવરટાઈમ કામ કરાવવામાં આવે છે.
ટ્રાફિક વિભાગના ડેટા અનુસાર પાછલા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં ૮૦૬ ગંભીર અકસ્માતો સર્જાયા, જેમાંથી ૫૦ ટકા પૂર્વ અમદાવાદમાં થયા હતા. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, પૂર્વ અમદાવાદમાં રસ્તા સાંકળા હોય છે, સાથે અહીં મોટા વાહનોની અવરજવર પણ વધારે હોય છે, જેના કારણે અકસ્માતો પણ વધારે સર્જાય છે. શહેરના અન્ય વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોવાને કારણે અકસ્માતો સર્જાય છે. પાછલા બે વર્ષમાં પશ્ચિમ અમદાવાદમાં લગભગ ૩૫૧ માર્ક અકસ્માત નોંધાયા હતા.