ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ડ્રોન ઉડાડવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદમાં પીએમની રેલી ચાલી રહી હતી, ત્યારે એક ખાનગી ડ્રોન ઉડતું જોવા મળ્યું. હાલમાં પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ FIR નોંધી છે અને તેમની ધરપકડ પણ કરી છે. પોલીસ દ્વારા આ માહિતી પણ આપવામાં આવી છે કે ડ્રોનને નીચે પાડવામા આવ્યુ ન હયુ પણ લેન્ડ કરાવી દેવામા આવ્યુ હતુ.
મોટી વાત એ છે કે ડ્રોન નો ફ્લાઈંગ ઝોનમાં ઉડાડવામાં આવી રહ્યું હતું. તેના માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી જેના કારણે પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી અને તરત જ ડ્રોનને નીચે લાવવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેઓએ ત્રણ લોકોને ડ્રોન ચલાવતા જોયા હતા. તેને જઈને ડ્રોન નીચે લાવવા માટે કહેવામાં આવ્યું. તેઓએ કોઈપણ દલીલ વગર તરત જ ડ્રોનને નીચે ઉતારી દીધું.
બાદમાં જાણવા મળ્યું કે ડ્રોન માત્ર ફોટોગ્રાફીના હેતુથી ઉડાડવામાં આવી રહ્યું છે, તેમાં કોઈ વિસ્ફોટક નથી. પોલીસે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી. પરંતુ આ મામલો વડાપ્રધાન સાથે સંબંધિત હોવાથી પોલીસ આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ કરવા જઈ રહી છે.
અનેક પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવશે. ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પકડાયેલા યુવકોની વાત કરીએ તો તેમના નામ નિકુલ રમેશભાઈ પરમાર, રાકેશ કાળુભાઈ અને રાજેશ્વર પ્રજાપતિ છે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ સમયે ગુજરાતનું રાજકીય તાપમાન વધી ગયું છે. રાજ્યમાં ઝડપી રેલીઓનો દોર ચાલી રહ્યો છે. એક તરફ ભાજપ પોતાની સત્તા બચાવવાની કોશિશ કરી રહી છે જ્યારે કોંગ્રેસ 27 વર્ષ બાદ ફરી સત્તામાં આવવા માંગે છે. ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી પણ આ મેદાન પર સક્રિય છે.