હાલમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું જોર વધી રહ્યું છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ દર અઠવાડિયે ગુજરાતમાં આવીને સભાઓ કરી રહ્યા છે અને મતદારોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર ગુજરાતની મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે વૈષ્ણોદેવી સર્કલ પાસે ટાઉનહોલમાં પોતાની સભા કરી હતી અને કહ્યું હતું કે ગુજરાતની 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપીશું.
કેજરીવાલે સંબોધનની શરૂઆત કરતાં વાત કરી હતી કે આજે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી છે, તેમને પ્રણામ કરું છું. પહેલાં લોકો કહેતા હતા કે ગુજરાત ભાજપનો ગઢ છે, અહીં કશું થાય એમ નથી, પરંતુ અમે લોકોને મળ્યા તો ખબર પડી કે લોકો કેટલા ડરેલા છે અને કેટલા દુઃખી છે. અમે આજે પાંચમી ગેરંટી મહિલાઓ માટે આપી રહ્યા છીએ કે 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપીશું. હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ ભાજપને ઉખાડી ફેંકીને લોકો નવી જ રાજનીતિ ઈચ્છે છે. અમે પંજાબ અને દિલ્હીમાં કર્યું એમ ગુજરાતમાં કરવા માગીએ છીએ.
અરવિંદ કેજરીવાલે પોતાની વાત આગળ ધપાવી કે અમે ભાજપ અને કોંગ્રેસની જેમ કરવા નથી માગતા. તેઓ એકબીજાને ગંદું બોલી બોલીને જતા રહે છે. એમાં જનતાને કંઈ મળતું નથી. ભાજપ અને કોંગ્રેસનું સેટિંગ છે, પરંતું પહેલીવાર જનતાને એવું લાગી રહ્યું છે કે અમારી સમસ્યાનું સમાધાન થશે. આનાથી મોટા પાયે અર્થવ્યવસ્થામાં ફરક પડશે. લોકોના હાથમાં પૈસા જશે તો અર્થ વ્યવસ્થા આગળ વધશે અને અમીરોના હાથમાં પૈસા જશે તો અર્થવ્યવસ્થા કમજોર પડશે. અમારી આ ગેરંટીથી કરોડો મહિલાઓને ફાયદો થશે.