અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2022-23ના રૂ.8807 કરોડના બજેટને મંજૂરી આપવા આજે બજેટની સામાન્ય સભા મળી છે. સામાન્ય સભાની શરૂઆત પહેલા જ ભાજપ પક્ષના તમામ મહિલા અને પુરુષ સભ્યોના મોબાઈલ ફોન લઈ અને લોકરમાં મૂકી દેવામાં આવ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કેટલાક સભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવામાં આવ્યા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણાપીઠ ખાતેના મહાત્મા ગાંધી હોલમાં આ બેઠક શરૂ થઈ છે. જેમાં સૌથી પહેલા અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એમ.જે લાયબ્રેરી, વી.એસ હોસ્પિટલ તેમજ AMTS બજેટ અંગે ચર્ચા થશે.
વર્ષ 2022-23ના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એમ.જે લાયબ્રેરી, વી.એસ હોસ્પિટલ, AMTS બજેટ અને સામાન્ય બજેટને મંજૂરી આપવાની દરખાસ્ત શાસક પક્ષ અને ભાજપ પક્ષે મૂકી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ સભામાં એમ.જે લાયબ્રેરીના બજેટ અંગે ભાજપના કોર્પોરેટર અને ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટિના ડેપ્યુટી ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા બોલવા ઉભા થયા હતા. આજથી 1500 વર્ષ પહેલાં એમ કહી આર્યભટ્ટના પુસ્તક અંગે વાતચીત શરૂ કરતાં જ કોંગ્રેસના કોર્પોરેટરોએ તેમને કહ્યું કે, 1500 વર્ષ પહેલાં કરતા અત્યારની વાતો કરો. કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા તેઓને બોલવા દેવાની જગ્યાએ તેમની મજાક ઉડાવવા લાગ્યા હતા. અનિરુદ્ધસિંહ ઝાલા જ્યારે વાંચનનું મહત્વ સમજાવતા હતા ત્યારે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કહ્યું હતું, બાપુ માટે અલગ સ્પેશિયલ બોર્ડ બોલાવજો એમ કહી વચ્ચે મજાક ઉડાવવાની શરૂ કરી હતી.