ગુજરાત વિધાનસભાની ચૂટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. હવે દરેક પાર્ટી પોતાના ઉમેદવારોના લીસ્ટ પણ જાહેર કરી રહી છે. ક્યાંક જૂના નેતાઓ તો ક્યાંક નવા ચેહેરાઓને મેદાને ઉતારવામા આવી રહ્યા છે. આ વચ્ચે અમદાવાદની નરોડા બેઠકને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહી વર્તમાન ધારાસભ્ય બલરામ થવાણીને આ વખતે પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. બલરામ થવાણીનુ પત્તુ કાપીને એક નવા ચહેરાને મોકો આપ્યો હોવાના સમાચાર છે.
મળતી માહિતી મુજબ નરોડા બેઠક પરથી પાયલ કુકરાણીને મેદાને ઉતારવામા આવી રહ્યા છે. યુવા ચહેરા તરીકે ટિકિટ મેળવનાર ડો.પાયલ કુકરાણીની ઉમર 30 વર્ષ છે એટલે કે ભાજપના સૌથી નાની ઉંમરના ઉમેદવાર છે. ડો.પાયલ સિંધી સમાજમાંથી આવે છે અને હાલ અસારવા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમના વિશે વિગતે વાત કરીએ તો ડો.પાયલ રશિયામાંથી એમડી મેડિસિનની ડિગ્રી લીધી છે અને નરોડાની બેઠક પરથી તેઓ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડશે.
જો કે ડો.પાયલ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે જેમા માતા રેશમા કુકરાણી અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર છે. બીજી તરફ પિતા મનોજ કુકરાણી નરોડા પાટિયા હત્યાકાંડમાં આજીવન કેદની સજા મેળવી ચૂક્યા છે.
અત્યાર સુધીમા ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
આમા 9 મહિલા ઉમેદવારોના નવા ચહેરા સામે આવ્યા છે જેમા જિજ્ઞા પંડ્યા, ડો.દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા, રીવાબા જાડેજા, દર્શના વસાવા, ભીખીબેન પરમાર, પાયલ કુકરાણી, કંચન રાદડિયા અને દર્શનાબેન વાઘેલાના નામ સામેલ છે. ટિકિટ મળ્યા બાદ પાયલ કુકરાણીએ કહ્યુ હતુ કે મારા માતાપિતા વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે. મારા માતાપિતાનો અનુભવ મને કામ આવશે. બધાની સાથે લઈને આગળ વધીશું.