સ્વામીનારાયણના અમુક સંતો દ્વારા હાલમાં હિંદુ ધર્મ અને ભગવાન વિશે જેમ તેમ કોમેન્ટ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ‘હનુમાનજી ભગવાન નથી’ એ પ્રકારનું અક્ષરમુની સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેના લીધે બાદમાં તેઓએ માફી માંગવી પડી હતી. તદુપરાંત ભગવાન શિવજી પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઇને આનંદસાગર સ્વામીનો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાર બાદ તેઓએ પણ માફી માંગવાનો વારો આવ્યો હતો. આ સિવાય સંપ્રદાયના કૃષ્ણસ્વરૂપ સ્વામીનો એક વિવાદીત વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે આવા 4 સંતો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને દરેક સંતોને પણ કડક સુચના આપવાની માહિતી મળી રહી છે.
હાલમાં આવા નિવેદનો વાયરલ થયા બાદ સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ત્યારે હવે 4 સંતો વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. વિગતો મળી રહી છે કે અમદાવાદ ગ્રામ્ય DCP સમક્ષ પગલાં ભરવા માટે બાવળાના વકીલ હિતેશ જાદવે અરજી કરીને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. હિંદુ દેવી-દેવતાનું અપમાન કરવા મામલે રૂગનાથચરણ દાસજી સ્વામી, આનંદસાગર સ્વામી, વિવેક સ્વામી અને સર્વેશ્વરદાસ સ્વામી સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચારેય સંતોના ભગવાનને લઇને વિવાદાસ્પદ નિવેદન સામે આવતા સમગ્ર હિંદુ સમાજના લોકોની લાગણી દુભાઈ હતી અને હવે દરેક ગુજરાતીઓ માટે આ શીખવા સમાન ઘટના બની છે કે હિંદુ દેવી દેવતાઓ વિશે મનફાવે એમ બોલવામાં તમારે ધ્યાન રાખવું પડશે.