ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય હલચલ મચી રહી છે. નેતાઓની પણ પાર્ટી ફેરબદલ જોવા મળી રહી છે. એવામાં જ આજે કોંગ્રેસના પૂર્વ નેતા કૈલાશ ગઢવી AAPમાં જોડાયા છે અને કોંગ્રેસમાં મોટો ગાબડુ પડ્યું છે. આ નેતા ગુલાબસિંહ યાદવ અને ઈશુદાનની હાજરીમાં AAPમાં જોડાયા છે.
સાથે જ વિગતો મળી રહી છે કે કૈલાશ ગઢવી સાથે 10 કોંગ્રેસ આગેવાનો પણ AAPમાં જોડાયા છે. 300 સમર્થકો સાથે કૈલાશ ગઢવી AAPમાં સામેલ થવાથી ભાજપમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના ઇલેક્શન ઈન-ચાર્જ તેમજ પ્રદેશ નેતા ઇશુદાન ગઢવીની હાજરીમાં કોંગ્રેસના નેતા કૈલાસદાન ગઢવી સહિતના 10 જેટલા હોદ્દેદારો અને આગેવાનો તેમના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આ પ્રસંગે કૈલાશ ગઢવી અને ગુલાબસિંહ યાદવે નિવેદન આપ્યું છે. કૈલાશ ગઢવીએ જણાવ્યું કે, ‘હું આજે નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છું. ગુજરાત સદાય રાજનીતિની પ્રયોગ શાળા છે. 27 વર્ષથી અહંકારી સરકાર સત્તા ભોગવી રહી છે. ગઢવીએ આગળ વાત કરી કે- અમે લડત આપતા હતા અને લડત લડતા રહીશું. તેમજ સારી આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા પણ ઊભી કરીશું. અમે કામ કરીશું, મહેનત કરીશું. અમે પરિણામલક્ષી કામ કરીશું.’