ગુજરાતી અને ગરબા જેમ દાળ અને ભાત છે, જેમ શાક અને રોટલી છે, કંઈક એવી જ જોડી છે. કારણ કે જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબા હોય અને જ્યાં ગરબા હોય ત્યાં ગુજરાતી તો અવશ્ય હોય છે. ત્યારે છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં કોરાનાના કારણે ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી. હવે આ વર્ષે ગુજરાત સરકારે એક સરસ જાહેરાત કરી છે કે રાજ્યમા શક્તિ કેન્દ્રો પર ગરબાનું આયોજન કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું એ વાતનું બધાને દુખ છે. પરંતુ રાજ્ય સરકારમાં મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાતા આ વખતે ગરબા રસીકો ગરબાની મજા માણી શકશે.
વિગતો મળી રહી છે કે રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્રો સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે તેવો નિર્ણય લીધો છે. ત્રણ વર્ષથી નવરાત્રીમાં માં અંબાની આરાધના માત્ર ઘરમાં જ થતી હતી. ગત વર્ષે લોકોએ સોસાયટીઓમાં ગરબા માણ્યા હતાં પણ પાર્ટી પ્લોટોમાં ગરબાને મંજુરી આપવામાં આવી નહોતી. પરંતુ આ વખતે સરકારે મંજુરી આપતાં ગરબાની મજા માણી શકાશે. રાજ્ય સરકાર ટુંક સમયમાં નવરાત્રી અંગે જાહેરાત કરશે. નવરાત્રીને લઈ રાજ્ય સરકારનું આ મહત્વનું આયોજન લોકોને ગમ્યું છે અને બધા મોજમાં જોવા મળી રહ્યા છે.
અંબાજ અને બહુચરાજી સહિત 9 શક્તિમંદિરમાં ઉજવણી થશે. તો સાથે સાથે અમાદાવાદ GMDCમા ભવ્ય ગરબાનું આયોજન કરાશે અને બધાને એન્ટ્રી પણ ફ્રી જ આપવામાં આવશે. કોરોનાના બે વર્ષ બાદ સામાન્ય સ્થિતિમા ગરબાનું આયોજન થશે. નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ત્યારે આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે. આ વર્ષે શારદીય નવરાત્રિ ખૂબ જ ખાસ છે. મા દુર્ગાનું આગમન આ વર્ષે હાથી પર થવાનું છે.
જ્યારે નવરાત્રિ સોમવારથી શરૂ થઇ રહી છે. તો મા દુર્ગાનું આગમન હાથી પર થાય છે. મા દુર્ગાને હાથી પર સવાર થઇને આવે છે તેથી તે ખુબજ સુખ સમૃદ્ધિ આપનાર છે. મા દુર્ગાની આ સવારી અપાર સુખ-સમૃદ્ધિ લાવશે. અને શાંતિ અને સુખનો માહોલ બને છે. આ મુજબ આ નવરાત્રિ દેશ અને દેશવાસી માટે ખુબજ શુભ સાબિત થશે. આસો મહિનાની સુદ એકમથી નવરાત્રીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.