હાલમાં લોકોમાં સરકારી નોકરી લેવાની એક હોટ લાગી છે. ત્યારે ઠગ લોકો પણ તેનો લાભ લઈને પૈસા પડાવતા જોવા મળે છે. એવો જ એક કિસ્સો હાલમાં પણ સામે આવ્યો છે. વિગતો સામે આવી છે કે દહેગામ-બાયડ હાઈ-વે ઉપર લીહોડાથી આગળ મીઠાના મુવાડા પાસે સ્વામી વિવેકાનંદ ટ્રેનિંગ સેન્ટરના નામે એક મોટો ભવાડો હાથ લાગ્યો છે. ત્યાં સેન્ટર ખોલીને બેઠેલા સંચાલકે તાલીમ માટે આવતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લાવી આપવાનું કહીને 81 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી 3 કરોડ 25 લાખનું ઘપલું કરી નાખ્યું છે.
હાલમાં સામે આવતી વિગતો એવું પણ જણાવી રહી છે કે આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દરોડા પાડ્યા હતા અને સંચાલક સહીત ત્રણ શખ્સોની ધરપકડ પણ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રેનિંગ સેન્ટરના સંચાલકે આવી રીતે અગાઉ કેટલા વિદ્યાર્થીઓને ઠગ્યા છે તે મામલે પણ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ અધિકારીએ નામ જોગ ઉલ્લેખ કર્યો છે કે હરેશ પ્રજાપતિ નામનો શખ્સ એકેડેમી ચલાવતો હતો અને તે મૂળ રાજસ્થાનનો છે.
તો વળી આ જ મામલે એક એવો પણ વળાંક સામે આવ્યો છે કે આ શખ્સોએ મોટાભાગે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના યુવાનોને સરકારી નોકરીના નામે છેતર્યા છે અને ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરીક્ષા પ્રમાણે રૂપિયાની વાત કરવામાં આવે તો પીએસઆઈ માટે રૂા.૧૦ લાખ, એલઆરડી માટે રૂા.પાંચ લાખ, આર્મી માટે ત્રણ લાખ જેવી રકમ પડાવતા હતા. વિવેકાનંદ ટ્રેનિંગ સેન્ટરમાં સરકારી નોકરીના નામે યુવાનોને છેતરવામાં આવતા હોવાની માહિતી કઈ રીતે વાયરલ થઈ એના વિશે વાત કરીએ તો દાહોદ જિલ્લા પોલીસ વડાને મળી હતી અને તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને આ માહિતી આપી હતી. જેના પગલે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડ્યો હતો અને જ્યાંથી ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.