વિવેક, પ્રદેશ માહિતી કચેરી- અમદાવાદ: કોરોનાનો કપરોકાળ દુનિયાના તમામ લોકો માટે એકસરખો કષ્ટદાયી હતો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સૂક્ષ્મ આયોજન અને ત્વરિત અમલીકરણથી ભારત દેશ અને આપણુ રાજ્ય ગુજરાત તેમાંથી સુપેરે પાર પડ્યું છે.
કોરોનાના કપરાકાળમાં સરકાર લોકોના જીવ બચાવવાની સાથે સરળતાથી જીવનનિર્વાહ થઈ શકે તેની કામગીરીમાં વ્યસ્ત હતી અને તેને સમાંતર અમુક મહેનતુ અને સાહસિક યુવાનોની તેમના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહન આપવાનું કામ પણ ચાલી રહ્યું હતું.
જે સમયે નોકરી ચાલુ રહેશે કે કેમ, કંપની કાર્યરત રહેશે કે કેમ એ જ સવાલ હતો, ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ઘનશ્યામસિંહ નામના યુવાનને એક અલગ વિચાર આવ્યો. આમ તો, છેલ્લા 5 વર્ષથી તેઓ લેસર મશીનરી ક્ષેત્રમાં નોકરી કરતા હતા.
પરંતુ નાનો તો નાનો પણ પોતાનો ધંધો હોવો જોઈએ એવી તેમની ઈચ્છા વર્ષોથી હ્રદયમાં ધરબાયેલી હતી. તેવામાં કોરોનાના લોકડાઉનના સમયગાળામાં નોકરી બંધ થવાથી તેમણે તે સમયનો સદુપયોગ સંશોધન અને સ્વવિકાસમાં રોકવાનું નક્કી કર્યું. ઘનશ્યામસિંહની ઈચ્છા લેસર ટેક્નોલોજી થકી ગિફ્ટ આર્ટિકલ અને સોવેનિયર પ્રોડેક્ટ્સ બનાવવાનું યુનિટ સ્થાપવાનો હતો.
જેમાં રોકાણ માટે માતબર રકમની જરૂર હતી.
ઈન્ટરનેટ સહિતના વિવિધ માધ્યમો થકી કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે તેમણે જાણકારી મેળવી. તેમને 50 હજાર કે લાખ નહીં પણ 5 લાખ જેટલી ભંડોળની જરૂર હતી. તેવામાં કેન્દ્ર સરકારની મુદ્રા યોજના વિશે તેમને જાણકારી મળી.
લેસર ટેક્નોલોજીથી ગિફ્ટ આર્ટિકલ અને સોવેનિયર પ્રોડક્ટ બનાવવાના એક નાના પ્લાન્ટ વિશે તેઓ વિચારી રહ્યા હતા. આ પ્લાન્ટમાં રોજગારીનું સર્જન પણ થવાનું હતુ જેથી તેમને પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અંગે પણ જાણ થઈ.
બસ, આનાથી વિશેષ શું જોઈએ. SBI બેંકમાં તેમણે મુદ્રા યોજના માટે અરજી કરી અને બીજી અરજી તથા જરૂરી દસ્તાવેજો PMEGP અંતર્ગત સબસિડી મેળવવા માટે સબમિટ કર્યા. અને જોતજોતામાં તો તેમને તબક્કાવાર ધિરાણ અને સબસિડી મળવાની શરૂ પણ થઈ ગઈ.
અમદાવાદના નરોડામાં સ્થિત અબજ લેસર આર્ટ શરૂ થયાને છ મહિના જેટલો સમય વિતી ગયો છે. આ સ્ટાર્ટઅપ થકી ખૂબ જ સારું એવું કામ ચાલી રહ્યું છે. ઘણીવખત કર્મચારીઓને ઓર્ડર પૂરા કરવા માટે ઓવરશિફ્ટ પણ કરવી પડે છે.
આમ ઘનશ્યામભાઈની સફળતાની ગાથા પરથી એ વાતની સાબિતી મળે છે કે ગુજરાતના સાહસિક યુવાનોના સપનાઓ સાકાર કરવા માટે સરકાર હરહંમેશ કટિબદ્ધ છે અને રહેશે