મને ચોકલેટ ખાવાનું અને રમવાનું પસંદ છે, નાનકડા પ્રેમના મોઢેથી આવી મીઠી મીઠી વાતો સાંભળો તો તમને વિશ્વાસ નહીં થાય કે આ માસૂમ ૧૦ દિવસ પહેલા જીવન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. એક્યુટ રિસ્પીરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (એઆરડીએસ) સાથે ન્યૂમોનિયા થઈ જવાને કારણે પ્રેમે ૪૫ દિવસ સુધી વેન્ટિલેટર પર રહેવુ પડ્યુ હતું. પ્રેમનો કેસ તબીબો માટે પણ ચોંકાવનારો છે. તેમનું માનવું છે કે વિશ્વમાં આ કદાચ પ્રથમ એવો કેસ હશે જ્યાં આ પ્રકારના વેન્ટિલેશન પછી કોઈ બાળકની રિકવરી થઈ હોય.
શહેરની જહાંગીર હોસ્પિટલનમાં પ્રેમની સારવાર કરનાર ડોક્ટર સાગર લાડ જણાવે છે કે, વયસ્કોમાં જાેવા મળ્યું છે કે કોરોનાને કારણે ૪૧ જેટલા દિવસ સુધી વેન્ટિલેશન પર રાખવાની જરૂર પડી હોય. આખી દુનિયામાં આ કદાચ પ્રથમ એવો કેસ છે જ્યાં એક બાળકે વયસ્કોની જેમ ૪૫ દિવસ સુધી વેન્ટિલેટર સપોર્ટ પર રહેવુ પડ્યું હોય અને સૌથી મહત્વની બાબત એ છે કે તે રિકવર થયો હોય. ઉલ્લેખનીય છે કે ડોક્ટર સાગર લાડ પુણેની પિડિયાટ્રિક કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે. પ્રેમના કેસની વાત કરીએ તો ૧૧ નવેમ્બર, ૨૦૨૧ના રોજ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણપણે તેના ફેફસા સ્વસ્થ થઈ ગયા પછી ૬૭ દિવસ બાદ તેને ૧૮મી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો.
આ ૬૭ દિવસમાં ૪૫ દિવસ તે હાઈ-ફ્રિક્વન્સી વેન્ટિલેટર પર હતો. મિકેનિકલ વેન્ટિલેશનના એડવાન્સ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રેમના પિતા જણાવે છે કે, જ્યારે પ્રેમનો તાવ ઉતરતો નહોતો તો અમે તેને શરુઆતમાં એક નાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હોસ્પિટલમાં તેના બેડની બાજૂમાં જે દર્દીની સારવાર ચાલી રહી હતી તેઓ પોસ્ટ-કોવિડ સમસ્યાનો શિકાર હતા. પાંચ દિવસ પછી પ્રેમને શ્વાસ ચઢવાની સમસ્યા શરુ થઈ ગઈ. પ્રેમનું બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ઘટીને ૪૨ ટકા થઈ ગયું. ઉલ્લેખનીય છે કે જે દર્દીમાં ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ૯૩ ટકાથી ઓછું થઈ જાય તેને ઓક્સિજન થેરાપીની જરુર પડે છે. પરંતુ પ્રેમના કેસમાં આટલુ બધું લેવલ ઘટી જવાને કારણે વેન્ટિલેટર સપોર્ટની જરુર પડી હતી.
પરિવારે વિવિધ હોસ્પિટલમાં વેન્ટિલેટર વાળી પથારી માટે શોધખોળ શરુ કરી હતી અને આખરે જહાંગીર હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો. ડોક્ટર સાગર લાડ જણાવે છે કે, પ્રેમને જ્યારે અહીં લાવવામાં આવ્યો તો તે કોવિડ-ન્યૂમોનિયાનો શિકાર હતો. તેનો એચઆરસીટી સ્કોર ૨૧ હતો. આટલી ગંભીર સ્થિતિ મોટાભાગે વયસ્કોમાં જાેવા મળતી હોય છે. તેને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યો પરંતુ કોઈ સુધાર જાેવા નહોતો મળતો. માટે હાઈ ફ્રિક્વન્સી વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રત્યેક દિવસ પડકારજનક હતો. લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે હાઈ વેન્ટિલેશનની જરુર પડતી હતી.
હવા બહાર કાઢવા માટે ટ્યુબની પણ જરુર પડતી હતી. સ્ટેરોઈડ, એન્ટીવાયર રેમડેસિવિયર જેવી દવાઓ પણ પ્રેમને આપવામાં આવી. હોસ્પિટલના સીનિયર સર્જન ડોક્ટર દસમિત સિંહ જણાવે છે કે, બાળકનું ઓક્સિજન લેવલ ઘટી જતુ હતું તે એક મોટો પડકાર હતો. પ્રેમની સારવાર કરનાર ટીમમાં ચેપી રોગોના નિષ્ણાંત ડોક્ટર પિયુષ ચૌધરી, બાળ રોગોના નિષ્ણાંત ડોક્ટર સંજય બાફના પણ સામેલ હતા. ૪૫ દિવસ પછી તેને લાઈફ સપોર્ટ પરથી હટાવવામાં આવ્યો. પ્રેમના પિતા જણાવે છે કે, પ્રેમ ઘણીવાર હોસ્પિટલના દિવસો યાદ કરે છે, પરંતુ અમે તેને પાછો ઘરે આવેલો જાેઈને ઘણાં ખુશ છીએ.