જો વાત કરીએ 2021ની તો ત્યારે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું હતું, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. ત્યારે હવે આ વર્ષની વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ સવારે 10.00 વાગ્યે જાહેર કરવામાં આવ્યું.
શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીનીઓ આગળ રહી છે. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જ્યારે A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે રાજ્યમાં લગભગ દોઢ વર્ષ સુધી ઓનલાઇન શિક્ષણ ચાલ્યું હતું. એમાં પણ 2021માં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા ક્લાસરૂમમાં બેસીને આપી હતી. 28 માર્ચથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓએ પુરજોશમાં તૈયારીઓ કરી હતી, પરંતુ દોઢ વર્ષ સુધી ઓનલાઈન ભણ્યા હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓની લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે, જેની અસર પ્રીલિમિનરી પરીક્ષામાં પણ જોવા મળી હતી.