અમદાવાદના નવરંગપુરામાંથી એક શર્મનાક ઘટના સામે આવી છે. અહી સ્કૂલ વાનના એક ડ્રાયવરે 3 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા છે. આરોપી ડ્રાયવરનુ નામ વિપુલ ઠાકોર છે. પોલીસે હવે આ ડ્રાયવર પર પોક્સો હેઠળ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. બાળકી સિનિયર કેજીમાં ભણતી હતી. વિપુલ ઠાકોર નામનો ઘાટલોડિયા જનતા નગર રહેવાસી ડ્રાયવર આ 8 વર્ષથી સ્કૂલ વાન ચલાવે છે જે આ બાળકીને સ્કૂલે લેવા મૂકવા જતો હતો. આ દરમિયાન ડ્રાયવરે બાળકીને અડપલાં કર્યા હતા.
આ બાદ બાળકી ડરી ગઈ હતી અને બાળકીને ડરેલી જોઈ માતાએ આ અંગે બાળકની ભાષામાં તેને પૂછ્તા આખી હકીકત સામે આવી ગઈ. બાળકીએ કહ્યુ કે વાનવાળા અંકલ ગમે ત્યાં ટચ કરતા હતા અને આ વાતો કોઈને ન કહેવા ધમકી આપતા હતા. આ સાથે બાળકીએ કહ્યુ કે આરોપી વિપુલની તેને ફોનમાં બીભત્સ કલીપ બતાવતો અને અડપલાં કરતો.
માત્ર આટલુ જ નહી, આરોપીએ બાળકીને એટલી હેરાન કરી કે તેની તબિયત પણ ખરાબ થઈ હતી. માતા-પિતા જ્યારે બાળકીને લઈને ડોકટર પાસે ગયા ત્યારે ડોકટરે જણાવ્યુ કે બાળકીને માનસિક એટલી અસર થઈ ગઈ છે જેથી હવે તેને આ બાબતે પૂછવુ નહી. હવે આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસ તપાસમા વિપુલના ફોનમાંથી બીભત્સ વિડીયો કલીપ પણ મળી તેની ધરપકડ કરી છે.
આ સિવાય અન્ય એક ઘટના સુરતમાંથી સામે આવી છે જ્યા 17 વર્ષીય કિશોરી સાથે કાકાએ અડપલા કર્યા છે. પિતાએ તેના ભાઈ સામે હવે આ મામલે ફરિયાદ નોંઘાવી છે. પોલીસે આ મામલે તપાસ કરી હેવાન કાકાને પકડી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.