પરિવર્તન કે પુનરાવર્તન? એ જ ચર્ચા ગુજરાતમાં ચાલી રહી છે. અલગ અલગ નેતાઓ પોતાના વિજયનો ઘોષનાદ કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના 1621 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે. દરેક જગ્યાએ આજે મતગણતરી થશે અને ચિત્ર સાફ થઈ જશે. ગુજરાતમાં વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ છે. આજે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. અમદાવાદમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે તો વળી દરેક જિલ્લામાં એવો જ માહોલ જોવા મળી રહ્યો છે.
ઉમેદવારો મત ગણતરી મથક બહાર બેન્ડ બાજા સાથે આવી પહોંચ્યા છે અને પોતાના જીતની રાહ જોઈ રહ્યા છે. ઘણા નેતાઓ આજે ડાન્સ કરશે તો ઘણા નેતાઓ રડશે પણ ખરાં. જો વાત કરીએ અમદાવાદની તો 21 વિધાનસભા બેઠકો પરના EVM અમદાવાદ ખાતેના 3 કાઉન્ટિંગ સેન્ટરોના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે. ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતદાન ગણતરી થઈ રહી છે.
અલગ અલગ ચેનલો દ્વારા કરવામાં આવ્યા હતા કંઈક આવા એક્ઝિટ પોલ…
ઈન્ડિયા ટીવીએ ખાસ એક્ઝિટ પોલ કર્યો હતો એની વાત કરીએ તો… આ પોલમાં આમ આદમી પાર્ટીથી લઈને ટીમ ઈન્ડિયાના ખેલાડી અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા સુધીના હેવીવેઈટ ઉમેદવારોની બેઠકોનો સમાવેશ થાય છે. જુઓ કોણ જીતે છે અને કોની સીટ લટકી રહી છે?
ઘાટલોડિયા
અમદાવાદની આ બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2017માં એક લાખથી વધુ મતોથી જીત્યા હતા. કોંગ્રેસે અહીંથી રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા છે. AAP તરફથી વિજય પટેલ મેદાનમાં છે, એક્ઝિટ પોલમાં ભૂપેન્દ્ર પટેલની જીતની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વિરમગામ
2017 પહેલા પાટીદાર આંદોલન દ્વારા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવનાર હાર્દિક પટેલ અમદાવાદ જિલ્લાની વિરગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. પાટીદાર આંદોલન બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. અહીં તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા, પરંતુ જૂન 2022માં તેઓ ભાજપમાં જોડાયા. આ બેઠક પર હાર્દિક પટેલ કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સામે ચૂંટણી લડી રહ્યો છે. એક્ઝિટ પોલમાં હાર્દિક આગળ છે. ભાજપ આ બેઠક કોંગ્રેસના હાથમાંથી છીનવી લે તેવું લાગી રહ્યું છે.
જામ ખંભાળિયા
ઇસુદાન ગઢવી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ ચહેરો છે. તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. એક્ઝિટ પોલમાં ઇસુદાન ગઢવી પાછળ રહેવાની આગાહી કરવામાં આવી છે. અહીં ભાજપના મૂળુભાઈ બેરા આગળ રહે તેવી શક્યતા છે, અત્યાર સુધી આ બેઠક કોંગ્રેસ પાસે હતી અને વિક્રમ માડમ ધારાસભ્ય હતા, પરંતુ તેઓ પણ પાછળ છે.
જામનગર ઉત્તર
રીવાબા જાડેજા ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની છે. તેઓ જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. રિવાબા 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં જોડાયા હતા. એક્ઝિટ પોલમાં રીવાબા જાડેજાની જીતની આગાહી કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા અને AAPના ઉમેદવાર કરસનભાઈ કરમુર મેદાનમાં છે.
રાજકોટ પૂર્વ
વિધાનસભા ચૂંટણીની જાહેરાત સુધી આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો રહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ અહીંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભૂતકાળમાં અહીંથી ધારાસભ્ય રહી ચૂકેલા રાજ્યગુરુ એક્ઝિટ પોલમાં આગળ ચાલી રહ્યા છે. ભાજપે ઉદય કાંગર અને AAP રાહુલ ભુવાને રાજ્યગુરુની હરીફાઈમાં ઉતાર્યા છે.
કતારગામ
સુરત શહેરની આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા મેદાનમાં છે. એક્ઝિટ પોલમાં ઈટાલી આગળ રહેવાની ધારણા છે. અહીં ઇટાલિયાનો મુકાબલો ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય વિનુ મોરડિયા અને કોંગ્રેસના કલ્પેશ વારિયા સામે છે.
મજૂરા
સુરત શહેરની આ બેઠક પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં છે. બે વખત જીતી રહેલા હર્ષ સંઘવી એક્ઝિટ પોલમાં આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસે આ સીટ પર બળવંત જૈનને મેદાનમાં ઉતાર્યા છે અને AAPએ અહીંથી પીવીએસ સરમાને મેદાનમાં ઉતાર્યા છે. હર્ષ સંઘવી જંગી માર્જિનથી જીતે તેવી અપેક્ષા છે.
વડગામ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને દલિત નેતા જીગ્નેશ મેવાણી અહીંથી બીજી વખત ચૂંટણી મેદાનમાં છે. ગત વખતે મેવાણી કોંગ્રેસના સમર્થનથી જીત્યા હતા. આ વખતે તેઓ કોંગ્રેસની ટિકિટ પર લડી રહ્યા છે. અહીંથી મેવાણી ફરી જીતે તેવી શક્યતા છે. મેવાણીને ઘેરવા માટે ભાજપે અહીંથી પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે.
ગાંધીનગર દક્ષિણ
OBC નેતા અલ્પેશ ઠાકોર અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2017માં રાધનપુરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ ભાજપ છોડવાના કારણે પેટાચૂંટણીમાં રાધનપુરમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં જન્મેલા અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી આગળ છે. એક્ઝિટ પોલમાં તેમની જીતની આગાહી કરવામાં આવી છે.
વરાછા રોડ
પાટીદાર આંદોલનમાંથી બહાર આવેલા અલ્પેશ કથીરિયા સુરતની આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિશોર કાનાણી (કુમાર કાકા) સામે છે. એક્ઝિટ પોલમાં આ બેઠક પરથી અલ્પેશની જીતની આગાહી કરવામાં આવી છે.