ગઈકાલે રવિવારે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી છે. એની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયાં છે. ઉલ્લેખનીય છે કે પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે, હજુ વરસાદ પડશે તો પરિસ્થિતિ કેવી થશે એવી એપાર્ટમેન્ટના રહીશોને ચિંતા છે. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતાં ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડયા હતા. મોડી રાતે ફરી વરસાદ શરૂ થતાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે. ભારે હાલાકી ભોગવવી પડી છે. અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયાં છે.
શ્યામલ ક્રોસ રોડ પરની વાત કરીએ તો એક કોમ્પ્લેક્સનું ભોંયરું આખું પાણીમાં ડૂબી ગયું, 20થી 25 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થયા છે. અમદાવાદમાં રવિવારે રાતે પડેલા ધોધમાર વરસાદે વિરામ લીધો હતો. મોડી રાતે બે વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં બે કલાકમાં શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. હાલમાં અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે.
ત્યારે આજની વાત કરીએ તો આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. સોમવારે સવારે 7 વાગ્યાની સ્થિતિએ છેલ્લા 12 કલાકમાં અમદાવાદમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. મોડી રાતે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. વાસણા, પાલડી, એલિસબ્રિજ, સરસપુર, હાટકેશ્વર, બોપલ-ઘુમા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયાં છે. લોકોને વહેલી સવારથી જ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.