લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના મસમોટા કાંડની તપાસ કરી રહેલી પોલીસને અમદાવાદની એક મહિલા પણ તેમાં સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં રહેતી ૫૪ વર્ષની આ મહિલા કોઈની માતા તો કોઈની પત્ની બનીને અત્યારસુધી કમસે કમ ૧૦ વાર રીતે અમેરિકા જઈ આવી છે. અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતી આ મહિલાને એક ટ્રીપના અંદાજે પાંચ લાખ રુપિયા ચૂકવવામાં આવતા હોવાનું મનાઈ રહ્યું છે. વળી, આ મહિલા શહેરમાં જિમખાના ચલાવતા એક વગદાર શખસની ખાસ મિત્ર છે, અને મોટા માથાંના કહેવાતા લોકો સાથે તેના સીધા સંપર્ક છે.
કદાચ આ જ કારણે પોલીસ તેને આજ સુધી હાથ પણ નથી લગાડી શકી. એક અખબારના અહેવાલમાં જણાવાયું હતું કે, કઈ રીતે ગેરકાયદે રીતે અમેરિકા મોકલતા એજન્ટો નકલી ફેમિલી બનાવે છે, જેમાં સામેલ પુરુષ, મહિલા કે બાળકો એકબીજાને ઓળખતા સુદ્ધા નથી હોતા, અને તેમને એક જ પરિવારના સભ્યો બતાવીને અમેરિકા મોકલાતા હોય છે. આ જ મોડસ ઓપરેન્ડી અપનાવીને ભરત ઉર્ફે બોબી પટેલ જેવા એજન્ટે આ મહિલાને અલગ અલગ પુરુષો તેમજ બાળકો સાથે કમસે કમ ૧૦વાર અમેરિકા મોકલી છે.
જે જિમખાના માલિકની આ મહિલા સારી મિત્ર છે, તે જિમખાનામાં એજન્ટ બોબી એટલે કે ભરત પટેલનો પણ ભાગ હોવાની ચર્ચા છે. આ જ જિમખાના જુલાઈ ૨૦૨૧ના ગાળામાં ખાસ્સું ચર્ચામાં આવ્યું હતું. આ મહિલાએ ૨૦૦૧માં પહેલીવાર પાસપોર્ટ કઢાવ્યો હતો. ૨૦૧૮થી ફેબ્રુઆરી ૨૦૨૨ના ગાળામાં તેણે અમેરિકાની ૧૦ ટ્રીપ મારી છે, જેમાં તે નકલી ફેમિલી બનાવી અનેક લોકોને અમેરિકા પહોંચાડી આવી છે, તેમ એક પોલીસ અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું.