ગુજરાતીઓ માટે અને ખાસ ખેડૂતો માટે એક માઠા સમાચાર છે. આજે ફરી હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ પડી શકે છે. જો કે હાલ અમદાવાદમાં 19 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, નલિયામાં 14.4 ડિગ્રી તો ભુજમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
જોકે 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે અને પછી વરસાદ ખાબકવાની પણ શક્યતા છે. ગુજરાતમાં કેટલાંક દિવસથી ઠંડીની સાથે-સાથે દિવસ દરમિયાન પણ હૂંફાળા વાતાવરણનો પણ અહેસાસ થાય છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં દિવસ અને રાત્રિનું તાપમાન નીચું જઈ રહ્યું છે. જોકે બીજી બાજુ હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.
અત્યારે જે રીતે ઋતુ ચાલી રહી છે એ જોતા રાજ્યમાં શિયાળાની ઠંડી જમાવટ કરી રહી છે તો બીજી બાજુ ભર શિયાળે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. છેલ્લા કેટલાંક દિવસથી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશન બનતા માછીમારોને પણ દરિયો ખેડવા અંગેની સૂચના આપવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગાહી પ્રમાણે વરસાદ પડે છે કે કેમ?