હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે એટલે પક્ષપલટો થાય એ મચ્છર કરડવા જેવી વાત છે. વળી આ વખતે તો ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે ત્યારે દરેક પાર્ટી પોતાનો પક્ષ મજબૂત કરવા માટે એક બીજાના ભાણામાં મોઢું મારશે એ વાત નક્કી છે. એક તરફ પીએમ મોદી દ્વારા ગુજરાતમાં એકબાદ એક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અઠવાડિયે એકવાર ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે.
જો કે ભાજપ અને આપ પાર્ટી વચ્ચે ગુજરાત કોંગ્રેસમાં સૌથી મોટો ભૂકંપ આવી ગયો એ સૌ કોઈને દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના સૌથી જૂના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર આવતીકાલે કેસરિયો ધારણ કરશે એવી માહિતી સામે આવી રહી છે. કોંગ્રેસ અને એનસીપી છોડનારા આવતીકાલે કેસરિયો ધારણ કરશે. નરેશ રાવલ અને રાજુ પરમાર 17 ઓગસ્ટના રોજ કેસરિયા કરીને ભાજપમાં વિધિવત રીતે જોડાવાના છે.
કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રીની હાજરીમાં નરેશ રાવલ, રાજૂ પરમાર સહિતના આગેવાનો ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે આવતીકાલે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક યોજાશે. જો કે ખાસ મહત્વની વાત એ છે કે ભાજપનો ખેસ ધારણ કરે તે પહેલા બંને નેતાઓએ દિલ્લીમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.