પ્રિન્સી કળથીયા ( અમદાવાદ ): અલગ અલગ ગૃપો સમગ્ર ગુજરાતમાં હાલમાં કાર્યરત છે અને અનેક પ્રકારની સેવા કરી રહ્યા છે. કોઈ ભગવાનને ભજે છે તો કોઈ અનાથ ગરીબોને ભોજન આપીને પોતાનું ભાથું બાંધે છે. ત્યારે આજે એક એવા ગૃપ વિશે વાત કરવી છે કે જે આ બન્ને કામ એકસાથે કરે છે.
એક તીરમાં બે નિશાન મારનાર આ ગૃપનું નામ એટલે કે શ્રી દાસેવ યુવા ગૃપ અમદાવાદ. સગર સમાજના 18 જેટલા યુવાનો છેલ્લા 2 વર્ષથી આ ગૃપ ચલાવી રહ્યા છે અને સરસ ભક્તિભાવ અને સેવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આવો જાણીએ શ્રી દાસેવ યુવા ગૃપની કામગીરી અને ભક્તિભાવ વિશે.
અમદાવાદમાં આજથી 2 વર્ષ પહેલા કેશુભાઈ પિપરોતર અને નાનજીભાઈ પાથરને આ વિચાર મનમાં સ્ફૂર્યો કે આપણા સગર સમાજના સંત શ્રી દાસારામ બાપાએ જળ સમાધિ લીધી ત્યારે ખરેખર આ દુનિયા જોતી રહી ગઈ હતી. તો આપણે આ પાછળ કોઈને કોઈ રીતે બાપાને યાદ કરીએ તો સારું કામ થઈ શકે. ત્યારે આ રીતે ગૃપની શરૂઆત થઈ અને આ શરૂઆતમાં જાદવભાઈ કારેણાનો 90 ટકા ફાળો મળ્યો. આ ગૃપનું કામ કંઈક એવું છે કે 18 સભ્યો દર મહિને એક વખત બીજ ઉજવે છે.
આ બીજની ઉજવણીના ભાગરૂપે સમાજના કોઈ દીકરાના ઘરે જઈ ત્યાં સામૈયા કરવામાં આવે. બાપાના પાટનું પ્રસ્થાન થાય અને પછી રાત્રે 1-2 વાગ્યા સુધી અલગ અલગ ભજન કિર્તન કરીને ભગવાનને યાદ કરીએ.
ત્યારે આ ઉજવણીનો હેતુ કંઈક એવો છે કે અમદાવાદ ખાતે સગર સમાજના 450 જેટલા ઘરો છે. આ દરેક ઘરોમાં અવન જવન થાય, દરેક મહિને સ્નેહમિલન જેવું નાનકડું આયોજન થઈ જાય અને દાસારામ બાપાને યાદ કરવાનું બહાનું મળે. સમાજના સૌ ભાઈઓ બહેનો સાથે મળીને ભજન કરે.
શ્રી દાસેવ યુવા ગૃપ અમદાવાદની સૌથી અનોખી અને વખાણવા લાયક વાત એ છે કે આ ધૂન-ભજન અને ભગવાનના કિર્તન કરીને જે પણ કંઈ ફાળો મળે એ ગૌશાળામાં, અનાથ બાળકોમાં તેમજ ફૂટપાથ પરના જરૂરિયાતમંદ બાળકોના લાભાર્થે આપવામાં આવે છે.
આખા ગુજરાતમાં આવું ખુબ ઓછું જોવા મળતું હશે કે જ્યાં ભગવાનના ભજન પણ થાય અને જરૂરિયામંદની સેવા પણ થતી હોય. ત્યારે સતત 2 વર્ષથી આ કામને શ્રી દાસેવ યુવા ગૃપ આગળ ધપાવી રહ્યું છે અને સમાજના લોકોનો પણ સાથ સહકાર ખુબ મળી રહ્યો છે.
આ ગૃપમાં તમામ લોકો મોટાભાગે યુવાનો જ છે. દરેક યુવાનો પોતે નોકરી અને બિઝનેસ કરે છે. સાથે જ દર મહિને આટલો સમય કાઢીને ભજન કિર્તન કરે છે અને સેવાનું કામ કરે છે.