અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ સામે કાળો જાદૂ કરવાને લઈને રાતોરાત ચર્ચામાં આવેલા મહિલા કોર્પોરેટર જમનાબેન વેગડાને કોંગ્રેસે ફેબ્રુઆરી મહિનામાં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ તેમને ફરી શહેર સંગઠનમાં સામેલ કરી લેવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેનું એક કારણ એ છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર જમનાબેન વેગડાના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા વિવાદ સર્જાયો છે. ઉદ્ઘાટન સમયની સામે આવેલી તસવીરમાં જમનાબેન કોંગ્રેસનો ખેસ પહેરીને પણ જોવા મળી રહ્યાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ પર કાળો જાદૂ કરવાને લઈને જમનાબેન વેગડા વિવાદમાં આવ્યાં હતાં. તે બાબતનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો. હવે સોમવારે શહેર કોંગ્રેસ પ્રમુખ પોતે સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટરના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં પહોંચી જતા વિવાદ શરૂ થયો છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો પણ હાજર રહ્યાં હતાં.
બીજી તરફ એ પણ ચર્ચાઇ રહ્યું છે કે આ મહિલા કોર્પોરેટરે જે કાર્યાલયનું નિર્માણ કર્યું તે ગેરકાયદેસર છે. તેમણે રહેણાંક સોસાયટીમાં આ કાર્યાલય બનાવ્યું છે. આ માટે એએમસી દ્વારા બે વખત નોટિસ પણ આપવામાં આવી છે. બિનસત્તાવાર સૂત્રો અનુસાર નિરવ બક્ષીને પક્ષના સંગઠનના નેતાઓ દ્વારા ઠપકો પણ આપવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ કાર્યક્રમમાં બરેરામપુરા વોર્ડના કોર્પોરેટર કમળાબેન ચાવડા, તસ્લિમ આલમ તીર્મિઝી, દરિયાપુરના કોર્પોરેટર માધુરી કલાપી અને ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર સહિત અન્ય કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યાં હોવાની ચર્ચા છે.