હાલમાં સમગ્ર ગુજરાતમાં ભાજપમાં જોડાયેલા યુવા નેતા હાર્દિક પટેલની જ વાતો કરવામાં આવી રહી છે. કારણ કે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યાને 16માં દિવસે આજે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો છે. ત્યારે આ મામલે પાટીદાર અનામત આંદોલનના દિગ્ગજ નેતા અલ્પેશ કથીરિયાએ પણ હાર્દિક વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે હાર્દિક પટેલને અભિનંદન પણ પાઠવ્યા અને કહ્યું કે તમે ભાજપમાં જાઓ પણ સમાજના લાંબા સમયના 2 મોટા પ્રશ્નનો નિવેડો આવે તે દિશામાં તાત્કાલિક કામ કરજો. સમાજ સેવાના નામે ભાજપમાં સામેલ થયા બાદ સમાજની વર્ષો જૂની માંગ પર તમે શુ કરો છો તે જોવું રહ્યું! ત્યારે હવે અલ્પેશ કથિરીયા પણ આ નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાયો છે. ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા દ્વારા લખ્યું હતું કે તે ભાજપ સાથે નાના સૈનિક તરીકે કામ કરશે. ભાજપમાં જોડાતા વેંત જ અને આ પહેલા હાર્દિક પટેલના ઘણા જૂના નિવેદનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ ઝાટકણી કાઢી રહ્યા છે.