રાજ્યના પૂર્વ મંત્રીઓને ગાંધીનગરમાં ફાળવવામાં આવેલા બંગલાઓને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે.
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો મનીષ દોશીએ આ અંગે ઘણા આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, ૧૫ પૂર્વ મંત્રીઓને સરકારી બંગલા ફાળવવામાં આવ્યા છે. રૂપિયા ૪૮૦૦ જેવા નજીવા ભાડે આ બંગલા ફાળવવામાં આવ્યા છે. મનિશ દોષીએ કહ્યું કે, પૂર્વ મંત્રીઓના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે આ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા હોવાનો તર્ક આપવામાં આવ્યો છે.
જાે કે હકિકત એ છે કે, એક પણ પૂર્વ મંત્રીના સંતાન ગાંધીનગરમાં અભ્યાસ કરતા નથી. રૂપાણી સરકારમાંથી પડતા મુકાયેલા પૂર્વ મંત્રીઓને આ બંગલા ફાળવ્યા છે. સરકાર પૂર્વ મંત્રીઓ પાસેથી સરકારી બંગલા પાછા મેળવે તેની દોશીએ માગ કરી છે. નીતિન પટેલ, ભપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, ઈશ્વર પરમાર, ગણપત વસાવા, જયેશ રાદડીયા, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર,પરસોતમ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહીર, વિભાવરીબેન દવે, રમણલાલ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કુંવરજી બાવળિયાના બંગલા પાછા લેવા માગણી કરવામાં આવી છે. આ અંગે મનીષ દોશીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે.