વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી તેમ રાજ્યમાં રાજકીય હલચલ વધી ગઈ છે. એક પછી એક કેન્દ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અમિત શાહ પણ ૨૬મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. અમિત શાહ કલોલ અને પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ લોકાર્પણ કરશે ઉપરાંત જનસભાને સંબોધન પણ કરી શકે છે.
અમિત શાહ કલોલમાં ૧ કરોડના ખર્ચે તૈયાર થનારા સરદાર બાગના રિડેવલેપમેન્ટ પ્રોજેક્ટના ખાત મુહૂર્ત અને ૧૮ કરોડના ખર્ચે તૈયાર થનારા રેલવે પૂર્વ બ્રિજના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહ કલોલ તાલુકામાં એક વિશાળ જનસભાને પણ સંબોધન કરશે. આ સાથે જ ગાંધીનગર જિલ્લાને શ્રેષ્ઠ જિલ્લો બનાવવા અને ગ્રામ વિકાસ માટે સંરપંચો સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારોના મત મેળવવા સંબંધિત મુદ્દાઓ પર પણ ધ્યાન આપવા બાબતે તૈયારીઓ થવાની સંભાવના છે. હાલ આ મુલાકાત ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણી માટે કલોલ તાલુકા માટે મહત્વની સાબિત થઈ શકે છે.
વિભાનસભા ચૂંટણી અંતર્ગત બેઠકો કરે તેવી શક્યાતો પણ સેવાઈ રહી છે. નોંધનીય છે કે રાજ્યમાં અમિત શાહની મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો છે. શાહ ભાજપના નેતાઓ સાથે બેઠક કરી શકે છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ કેન્દ્રીય પ્રધાનોનો ગુજરાત પ્રવાસ પણ ચાલુ થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં આપ પાર્ટી દ્વારા ધરખમ જીત મેળવ્યા બાદ આપની નજર હવે ગુજરાત પર છે જેના પગલે બીજેપી પોતાના ગઢ એવા ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોઈ કસર છોડવા માંગતી નથી. રાજ્યમાં આપ પાર્ટી ધીમે-ધીમે મજબૂત બનવાના પ્રયાસ કરી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રવાસે આવ્યા હતા અને કાર્યકર્તાઓને અત્યારથી ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા જણાવ્યું હતુ.
પીએમ મોદી બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ૨૫ માર્ચે વાલસુરા નેવી મથકે પ્રેસિડેન્ટ કલર એવોર્ડમાં હાજરી આપશે, જ્યારે ૨૪ માર્ચે જગતના નાથ દ્વારકાધીશના દર્શન પણ કરશે. રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને ગુજરાત પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. ૨૪ માર્ચના રોજ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગર એરપોર્ટ પર આવી પહોંચશે.
ત્યાંથી વિમાન માર્ગે જ દ્રારકા જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને જામનગર પરત ફર્યા બાદ ૨૫ના વાલસૂરામાં પ્રેસિડન્ટ કલર એવોર્ડમાં ઉપસ્થિત રહેશે. ૮૦ વર્ષની ઉતમ સેવા બદલ ભારતના પ્રમુખ નૌસેના સંસ્થાન આઇએનએસ વાલસૂરાને રાષ્ટ્રપતિ નિશાનનો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરશે. એવોર્ડ કાર્યક્રમ અંતર્ગત ૧૫૦ જવાનો પરેડ કરી રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપશે. ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત, નેવલ સ્ટાફના વડા એડમિરલ આર.હરીકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઇન્ડિયન નેવીને વર્ષ ૧૯૫૧માં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ નિશાન એવોર્ડ મળ્યો હતો.