આજે સવારથી રાજકારણનો એક મુદ્દો ભારે ચર્ચામાં છે અને ઉત્તર ગુજરાતના રાજકારણમાં મોટો હંગામો મચી જવાની તૈયારીમાં છે. કારણ કે વિપુલ ચૌધરી દૂધસાગર ડેરી ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ડેરીના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી, આ તપાસ બાદ રૂપિયા 300 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. વિપુલ ચૌધરી અને તેમના PA સામે પગલાં ભરીને આખરે બંનેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે આ ધરપકડને લઈને વિરોધ સામે આવ્યો છે.
હાલમાં આ બન્નેની ધરપકડને લઈ અર્બુદા સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરીએ પોલ ખોલતા વાત કરી કે, વિપુલ ચૌધરી સાગર દાણનો કેસ જીતી જશે તેવી જાણ સરકારને થતાં ફરી નવો કેસ કરી ધરપકડ કરી છે. વિસનગરના મંત્રી (એટલે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ) અને દૂધસાગર ડેરીના ચેરમેન સહિતના લોકો અઠવાડિયાથી કારશો રચતા હતા એવી અમને ખબર હતી. ગાંધીનગરના પંચશીલ ફાર્મ ખાતે ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ખાનગી વાહનોમાં ધરપકડ કરતાં મહેસાણા ખાતે આવેલા અર્બુદા ભવન ખાતે મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો ભેગા થયા અને અને દરેક જિલ્લા ક્લેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું છે.
ઉલ્લેખનીય છે કે મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની કાલે રાત્રે 12:00 વાગ્યે ગાંધીનગરના પંચશીલ ફાર્મ હાઉસ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. હવે આ વાતને લઈ મોટી સંખ્યામાં ભેગા થયેલા અર્બુદા સેનાના લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જો વિપુલ ચૌધરીને મુક્ત નહીં કરવામાં આવે તો સેનાના કાર્યકરો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી છે. ત્યારે જોવાનું એ રહ્યુપં કે આખરે કોણ જીતે છે અને કોને નમતુ મૂકવું પડે છે.