Kejriwal News: ગુજરાત રાજ્ય તથા દેશભરમાં આગામી લોકસભા ચૂંટણીનાં ચક્રો ગતિમાન થયાં છે તેવા તબક્કે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક માટે હાલમાં જેલમાં રહેલા ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે.
‘આપ’ તથા કૉંગ્રેસ વચ્ચે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સંદર્ભે સીટોની ફાળવણી અંગેની બેઠક યોજાય તેના એક દિવસ પહેલાં જ કેજરીવાલે લોકસભાની બેઠક માટે પોતાના પક્ષ તરફથી ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દેતાં વિવિધ તર્કવિતર્કો થવા લાગ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં જેલમાં છે અને તેમના પર કેસ ચાલી રહ્યો છે. અગાઉ અરુણાચલ પ્રદેશમાં જેડીયુ તરફથી નીતીશ કુમારે પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી, એ જ રીતે કેજરીવાલે ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠક માટેના ‘આપ’ના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દેતાં અનેક તર્કવિતર્કોએ જોર પકડ્યું છે. ત્યારે આજે વિપક્ષોના સંગઠન I.N.D.I.A.ની સીટ-શેરિંગ માટેની બેઠક યોજાઈ રહી છે ત્યારે તેની પહેલાં જ ગઈ કાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી દીધી હતી.
ગુજરાતના આદિવાસી નેતા ચૈતર વસાવા ગોળીબારના એક કેસમાં હાલમાં ગુજરાતમાં જેલમાં છે. વનવિભાગના અધિકારીઓને કથિત રીતે ધમકાવવા તથા ફાયરિંગ કરવાના જમીન વિવાદના કેસમાં વસાવા હાલ જેલવાસ ભોગવી રહ્યા છે તથા તેમનાં પત્ની પણ જેલમાં છે. આ કેસમાં તેમણે તા. 14 ડિસેમ્બર, 2023ના રોજ સમર્પણ કરી દીધું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તથા રાજ્યના અન્ય નેતાઓ ચૈતર વસાવાના જેલમાં મુલાકાત લેનાર છે. તો બીજી તરફ, આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક, દિલ્હી સરકારના કૅબિનેટ મંત્રી આતિશી તથા સૌરભ ભારદ્વાજ સીટ-ફાળવણીની ચર્ચા માટે આજે યોજાનારી બેઠકમાં ભાગ લેશે. કૉંગ્રેસ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ તથા અન્ય નેતાઓ ભાગ લેશે.
Big News: બિલકિસ બાનો ગેંગરેપ કેસના દોષિતોને આંચકો, સુપ્રીમ કોર્ટે સજા માફીનો આદેશ કર્યો રદ
દિલ્હીમાં આજે આપ તથા કૉંગ્રેસને રાજધાની દિલ્હી તથા પંજાબમાં સીટ-ફાળવણીની ફૉર્મ્યુલા પર ચર્ચા કરવામાં આવનાર છે. બંને સ્થળે આપ-ની સત્તા છે. પંજાબમાં આપ તથા કૉંગ્રેસ બંનેનાં રાજ્ય-એકમો પોતાની જીત અંગે આત્મવિશ્વાસથી ભરપૂર છે અને કોઈ જ સમજૂતી કરવા ઇચ્છતા નથી. એટલે હવે આજની બેઠક બાદ શી સ્થિતિ છે, તે જોવા માટે નિરીક્ષકોની નજર મંડાયેલી રહેશે.