પાલનપુર: શક્તિ, ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય વન અને પર્યાવરણ, ક્લામેન્ટ ચેન્જ તથા ગ્રાહકોની બાબતોના રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચોબે એ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ મંત્રીશ્રીએ ગબ્બર પર્વત પર માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન ગણાતા મંદિરે જઇ શીશ ઝુકાવી આશિર્વાદ મેળવ્યા હતા.
કેન્દ્રીય મંત્રીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતુ. અંબાજી મંદિરના પુજારી દ્વારા માતાજીની ચુંદડી ઓઢાડીને તેમનું બહુમાન કરાયું હતુ.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ જણાવ્યું કે ઘણાં વર્ષોથી મા અંબાના દર્શન કરવાની અદમ્ય ઈચ્છા હતી. આજે મા કા બુલાવા આવ્યા હોવાથી દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમણે કહ્યું કે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ખુબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે તેવી વ્યવસ્થા તમામ યાત્રાધામોમાં કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરુ છુ.
તેમણે કહ્યું કે મા અંબા સૌનું કલ્યાણ કરે, સૌને સુખી રાખે અને તંદુરસ્તી બક્ષે તે માટે માતાજીને પ્રાર્થના કરી છે. તેમણે ઉમેર્યુ કે, દેશના લોકો ભાઈચારા અને સદભાવનાના ભાવથી શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બને તેવી પણ મા અંબાને પ્રાર્થના કરી છે. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ માંગલ્યવન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીની મુલાકાત પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલ, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આનંદ પટેલ, અગ્રણીઓ ગુમાનસિંહ ચાૈહાણ, માધુભાઇ રાણા, રેખાબેન ખાણેસા, વન વિભાગના અધિકારીઓ પરેશભાઇ ચાૈધરી, અભયકુમાર, પ્રકાશભાઇ ભુતડીયા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.