ગાંધીના ગુજરાતમાં હવે અહિંસા નહીં હિંસા માટે લોકો બેફામ ફરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે રોજ કોઈને કોઈ ગુનાઓ બની રહ્યા છે. એ જ રીતે હવે એક કેસ સામે આવ્યો છે જેના લીધે રાજકીય પાર્ટીમાં મોટો ખળભળાટ મચી ગયો છે. વલસાડમાં ભાજપના નેતાની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આ વાતની ચર્ચા થતાં જ ચારેકોર હાહાકાર મચી ગયો છે. આ મામલાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા નાકાબંધી કરીને ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપના નેતાની હત્યા શા માટે કરવામાં આવી હતી તે આરોપી ઝડપાયા પછી જ સામે આવી શકે છે.
આ વાત છે વલસાડ જિલ્લાના વાપીના રાતાની કે જ્યાં ભાપજના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિ દ્વારા શૈલેષ પટેલ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કર્યા બાદ બંને અજાણ્યા વ્યક્તિ ફરાર થઈ ગયા હતા. જ્યારે ગોળીબારમાં શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ ઢીમ ઢળી ગયું હતું. જો કે શૈલેષ પટેલના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં છે. શૈલેષ પટેલની હત્યા જૂની અંગત અદાવતમાં થઈ હોવાની આશંકા સામે આવી રહી છે.