ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નામને ફાઈનલ કરવા માટે બેઠક યોજાશે. ભાજપ પહેલેથી જ સંકેત આપી ચૂક્યું છે કે ભૂપેન્દ્ર પટેલ તેમની બીજી ટર્મ માટે મુખ્યમંત્રી તરીકે પરત ફરશે. રાજ્યમાં નવી સરકારની રચના પહેલા શુક્રવારે પટેલે તેમના સમગ્ર વર્તમાન કેબિનેટ સાથે રાજીનામું આપ્યું હતું. 8 ડિસેમ્બરે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભાજપે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી હતી. ભાજપના વરિષ્ઠ નેતાઓ રાજનાથ સિંહ, બીએસ યેદિયુરપ્પા અને અર્જુન મુંડા ગુજરાતની રાજધાનીમાં વિધાનસભા પક્ષની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક હશે.
ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં યોજાશે. આ કાર્યક્રમમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ભાગ લે તેવી અપેક્ષા છે. આ બાબતથી વાકેફ એક નેતાના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી પટેલના નેતૃત્વ હેઠળની નવી સરકારમાં લગભગ 10-12 કેબિનેટ રેન્કના મંત્રીઓ અને 15-16 રાજ્ય મંત્રીઓ હશે. નવી સરકારમાં રીવાબા જાડેજા, અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, દર્શના શાહ, અમિત ઠક્કર અને હાર્દિક પટેલ જેવા નવા ચહેરાઓને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. નામ જાહેર ન કરવાની શરતે, એક બીજેપી નેતાએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, “નવું કેબિનેટ વિવિધ જાતિઓ અને જિલ્લાઓના પ્રતિનિધિત્વનું મિશ્રણ હશે.”
પાર્ટીના ચીફ વ્હીપ પંકજ દેસાઈએ રાજભવનની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યપાલે મુખ્યમંત્રી અને તેમની કેબિનેટનું રાજીનામું સ્વીકારી લીધું છે. નવી સરકારની રચના થાય ત્યાં સુધી ભૂપેન્દ્ર પટેલ જ કાર્યપાલક મુખ્ય પ્રધાન રહેશે. દેસાઈએ જણાવ્યું હતું કે, “ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક આજે સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં પાર્ટી હેડક્વાર્ટર ‘કમલમ’ ખાતે યોજાશે. નવા નેતાની ચૂંટણી અંગેની માહિતી બપોર પછી રાજ્યપાલને આપવામાં આવશે, જેના માટે અમે તેમની પાસે સમય માંગ્યો છે. નવા મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનો શપથ ગ્રહણ રાજ્યપાલના નિર્દેશો મુજબ થશે. સીઆર પાટીલે અગાઉ પરિણામના દિવસે જાહેરાત કરી હતી કે નવી સરકારનો શપથ ગ્રહણ સોમવારે ગાંધીનગર સમારોહ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
આ ઘટનાક્રમથી વાકેફ એક નેતાએ જણાવ્યું હતું કે નવી સરકારમાં કેબિનેટ રેન્કમાં સ્થાન મેળવવાની દોડમાં રહેલા કેટલાક ધારાસભ્યોમાં પૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી (થરાડ), ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર (ગાંધીનગર દક્ષિણ), નાણામંત્રી કનુ દેસાઈ (પારડી, વલસાડ), ગણપત વસાવા (માંગરોળ), પૂર્વ માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી (સુરત પૂર્વ), પૂર્વ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (વિસનગર), પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ), અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા (જેતપુર) અને રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)નો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં કોંગ્રેસ 17 બેઠકો પર ઘટી ગઈ હતી. આમ આદમી પાર્ટીના ખાતામાં 5 અને અપક્ષ ઉમેદવારોએ 4 બેઠકો જીતી હતી.