અલ્પેશ કારેણા ( અમદાવાદ ): હાલમાં એશિયલ ગેમ્સનો માહોલ છે અને આ વર્ષે 2023માં પહેલી વખત એવું બન્યું છે કે ભારતે 100 કરતાં પણ વધારે મેડલ જીત્યા છે. ત્યારે હવે આગામી 22થી 28 ઓક્ટોબરના રોજ પેરા એશિયન ગેમ્સ શરૂ થવા જઈ રહી છે. જેમાં ગુજરાતમાંથી અનેક દિવ્યાંગો ભાગ લેવાના છે અને ગુજરાત તેમજ ભારતનું નામ રોશન કરવાના છે. એવો જ એક રમતવીર એટલે કે ખોડાજી ધાનાજી ઠાકોર. જે આમ તો પ્રજ્ઞાચક્ષુ છે પરંતુ એમની દોડવાની ગતિએ ગુજરાતના લોકોને જોતા રાખી દીધા છે. ખોડાજી ઠાકોર 25 વર્ષના છે અને તેઓ પણ આ વખતે પેરા એશિયન ગેમ્સમાં ઝંપલાવવાના છે. 400 મીટર દોડમાં તેઓ સિલેક્ટ થયા છે અને ગુજરાતને આશા છે કે ગોલ્ડ મેડલ લઈને આવશે.
9 વર્ષની વયે માતા-પિતાનું અવસાન
ખોડાજી ઠાકોર વિશે વાત કરીએ તો પાલનપુરમાં એમનો જન્મ. જન્મના 9 વર્ષ બાદ જ માતા પિતાનું અવસાન થયું. ત્યારબાદ તેઓના મામા મામીએ જ એમની સંભાળ રાખી અને ઉછેર કર્યો. તેમનું ધોરણ 1 થી 10 સુધીનું શિક્ષણ પાલનપુરમાં જ થયું. 11 અને 12 તેઓ અમદાવાદ ખાતે અંધજનમંડળમાં ભણ્યા અને ત્યારબાદ એલ.સી.એમ કોલેજ અમાદાવાદમાં તેઓએ બીએનો અભ્યાસ કર્યો. હાલમાં તેઓ અંધજનમંડળ અમદાવાદ ખાતે રહીને સી એન વિદ્યાલયમાં ટ્રેનિંગ કરી રહ્યા છે અને પેરા એશિયન ગેમ્સ માટે તૈયારી કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં 15 મેડલ જીતી ચૂક્યો છે
પેરા એશિયન ગેમ 22 થી 28 ઓક્ટોબર રમાવાની છે. પરંતુ ખોડાજી જણાવે છે કે અમે લોકો 17 ઓક્ટોબર ચાઈના માટે નીકળી જઈશું. ખોડાજીએ 400 મીટર દોડ ટી-12 કેટેગરીમાં ભાગ લીધો છે અને એ રમતમાં તેઓ પરફોર્મ કરવાના છે. આખા ગુજરાતમાંથી આ દોડમાં ખોડાજી એક જ છે કે જે એશિયાના 58 દેશોના રમતવીર સાથે સીધી જ સ્પર્ધા કરવાના છે. ખોડાજી વાત કરતા જણાવે છે કે છેલ્લા 5 વર્ષથી તૈયારી કરી રહ્યો છું. મે અત્યાર સુધીમાં રાજ્ય, દેશ અને ઈન્ટરનેશન લેવલે 20 જેટલી અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો છે. તેમજ નેશનલમાં 7 મેડલ, ઈન્ટરનેશનલ-1, રાજ્ય લેવલે-7 મેડલ એમ કુલ 15 મેડલ જીત્યો છું. પરંતુ આ પેરા એશિયન ગેમ્સ મારા માટે મહત્વની છે. કારણ કે જે તે સમયે મે આ ગેમ્સમાં પરફોર્મ કરવાનું સપનું જોયું હતું અને હવે એ સાકાર થઈ રહ્યું છે. હાલમાં હું રોજની 5 કલાકની પ્રેક્ટિસ કરી રહ્યો છું. મારા કોચે જે પ્રમાણે શેડ્યુલ આપ્યું એ પ્રમાણે હું વર્કઆઉટ કરી રહ્યો છું.
આ રીતે રમતમાં રુચિ વધતી ગઈ
રમતનો શોખ કઈ રીતે લાગ્યો એ અંગે ખોડાજી ઠાકોર જણાવે છે કે પાલનપુરમાં હતો ત્યારે જ અમારી શાળામાં અને બીજી શાળામાં અલગ અલગ ટુનામેન્ટ આવતી અને શાળા લેવલે રમવા જતા. ત્યારે મને ક્રિકેટમાં રસ હતો. પરંતુ ખેલ મહાકુંભ આવ્યો ત્યારથી રસ બદલાયો અને પછી અમદાવાદમાંઆવ્યો ત્યારે એથલેટની પ્રોપર ટ્રેનિંગ લીધી. આ વર્ષ 2016નું હતું. એ જ વર્ષે દિલ્હીમાં લાંબી કૂદમાં એક મેડલ જીત્યો. પછી જયપુર ગયો અને આ રીતે આગળ વધતો ગયો.
Gold Price: સોનું અને ચાંદી સસ્તા થયા, 1600 રૂપિયા ભાવ ઘટ્યા, શું દિવાળી સુધી ઘટાડો ચાલુ જ રહેશે?
હાલમાં મારું પુરેપુર ફોકસ દોડમાં જ છે અને ગોલ્ડ મેડલ લેવા માટે પુરતો પ્રયત્ન કરું છું. આર્થિક ઉપાર્જન માટે ખોડાજી જણાવે છે કે સ્પોર્ટ ક્વોટામાં નોકરી કરવાની ઈચ્છા છે. એશિયન ગેમમાં આગળ વધી ઓલ્પિકમાં રમીને જીતવું છે અને એ દિશામાં બસ મહેનત કરી રહ્યો છું.