પાલનપુર: બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બ્લોક હેલ્થ મેળાઓનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ કાંકરેજ તાલુકામાં શિહોરી ખાતેથી આરોગ્ય મેળાનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે ડીસા મુકામે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સવિતાબેન હરીયાણીની ઉપસ્થિતિમાં આરોગ્ય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. એસ.એન.દેવના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અલગ- અલગ જગ્યાએ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આરોગ્ય મેળામાં આરોગ્ય સંભાળ સેવાઓ, વિનામૂલ્યે નિદાન અને સારવાર, હેલ્થ આઇ.ડી. કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, ટેલી કન્સલ્ટેશન, નિરામયા ગુજરાત અંતર્ગત ડાયાબીટીસ, હાઇ બી.પી., મોંઢાના કેન્સરની તપાસ, આંખની તપાસ, દાંતની તપાસ, યોગ અને ધ્યાન વગેરે સેવાઓ આપવામાં આવી હતી.
સરકારશ્રી દ્વારા આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓના કાર્ડ વિતરણ, નવા કાર્ડ બનાવવા/ રિન્યુ કરવા તેમજ લોકોના આરોગ્ય સુખાકારી માટે બિન ચેપી રોગો અને સંક્રામક રોગોની પ્રાથમિક તપાસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી જીવવા માટે રોજિંદા જીવનની જીવન શૈલી કેવી હોવી જોઇએ તે અંગે જાણકારી પુરી પાડવામાં આવી હતી.
શિહોરી આરોગ્ય મેળામાં અગ્રણીશ્રી ભારતસિંહ ભટેસરીયા, આર.સી.એચ.ઓ. શ્રી ર્ડા. નયન મકવાણા, ડી.આઇ.ઇ.સી.ઓ.શ્રી એન.એમ.રાઠોડ તથા ડીસા આરોગ્ય મેળામાં અધિક આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. ડી. બી. મહેતા, એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. જીજ્ઞેશ હરીયાણી ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા આરોગ્ય કચેરીના જણાવ્યા પ્રમાણે લોકોને આરોગ્ય સેવાઓ પુરી પાડવા માટે તા. ૨૦ થી સમગ્ર જિલ્લામાં બ્લોક હેલ્થ આરોગ્ય મેળાઓ યોજવામાં આવી રહ્યા છે.
આવતીકાલ તા. ૨૨ એપ્રિલના રોજ સવારે- ૮.૩૦ થી બપોરે- ૧.૩૦ વાગ્યા સુધી દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, થરાદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં, વાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, લાખણી તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગથળા અને ધાનેરા ખાતે તાલુકા આરોગ્ય કચેરીમાં બ્લોક હેલ્થ મેળાઓ યોજાશે.
તા. ૨૩ ના રોજ વડગામ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાંદોત્રા, દાંતા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મગવાસ, અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પાલનપુર ખાતે તાલુકા આરોગ્ય કચેરીમાં આરોગ્ય મેળાઓ યોજાશે.