Uttarayana 2024: આગામી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી-2024 દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશા-દર્શનમાં યોજાશે.
આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. “જીવો, જીવવાદો અને જીવાડો”ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે.
તદ્દઅનુસાર, વોટ્સએપ 8320002000 ઉપર મેસેજ કે મિસ કોલ કરો ત્યારબાદ એક લિંક પ્રાપ્ત થશે અને એ વેબસાઇટ ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. એટલું જ નહીં વનવિભાગના હેલ્પ લાઇન નંબર 1926 તેમજ પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.
આગામી ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે 900થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 700થી વધારે વેટરનિટી તબીબો તેમજ 7,700થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે.
ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગયા વર્ષે કુલ 13,008 પક્ષીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
બોક્સ મેટર – ઉત્તરાયણ પર્વ દરમ્યાન નિર્દોષ પશુ-પંખીઓના જીવ ના હણાય અને તેઓની કાળજી લેવા વન વિભાગ તરફથી કરવામાં આવી નમ્ર અપીલ
- ચાઇનીઝ અને સિન્થેટિક દોરીનું વેચાણ, સંગ્રહ કે ઉપયોગ ટાળવો.
- પતંગ ઉત્તરાયણના દિવસે જ સવારના 9:૦૦ કલાકથી સાંજના 5:૦૦ કલાક દરમ્યાન ચગાવીએ.
- વૃક્ષો, ઇલેકટ્રીક અને ટેલીફોન લાઇનની ઉપર લટકતા પક્ષીઓને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં ન મૂકીએ.
- ઘાયલ પક્ષી ઉપર પાણી ન રેડીએ. તેમજ તેની ઉપર દોરી વીંટળાઇ ગઇ હોય તો એને ખેંચીને દૂર કરવાનો પ્રયત્ન ન કરીએ. જરૂર પડે દોરીને કાતરથી કાપીને દૂર કરીએ.
- ઘાયલ પક્ષી જોવા મળે તો નજીકના પક્ષી બચાવો કેન્દ્રનો સંપર્ક કરીએ તથા વન વિભાગની હેલ્પ લાઇન નંબરને જાણ કરીએ.
- જો પક્ષીને લોહી નીકળતું હોય તો તેવા સંજોગોમાં એના ઘા ઉપર હળવેથી રૂ મુકી લોહી નીકળતું બંધ કરીએ અને શાંતિથી અને ખલેલ કર્યા વગર નજીકના સારવાર કેન્દ્ર ખાતે લઇ જઇએ.
- તાત્કાલિક નિકટના પ્રાથમિક સારવાર કેન્દ્ર અથવા ઓપરેશન થિએટરે લઇ જવું કરૂણા અભિયાનમાં જોડાવો અને નિર્દોષ પક્ષીઓને બચાવો.
- તાલીમ પામેલા સ્વયંસેવકોએ જ પક્ષી બચાવવાની કામગીરી કરવી જોઇએ.
- દોરીના ગુંચડા જ્યાં ત્યાં ફેંકશો નહીં અને જ્યાં ત્યાં લટકતા દેખાય તો તેનો યોગ્ય નિકાલ કરીએ.
- ઉત્તરાયણના દિવસે તુક્કલ ન ચઢાવીએ તથા ફટાકડા ફોડવાનું ટાળીએ.
- “સૌ સાથે મળી અબોલ જીવોને ઘાયલ થતા બચાવીએ”
અંબાલાલ પટેલની આગાહી, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો
આ સમગ્ર બાબતનું ધ્યાન રાખીએ અને સાવધાનીથી આ પર્વની ઉજવણી કરીએ.