ગુજરાતમાં એક વાત સમજાતી નથી કે સસ્તી પ્રસિદ્ધી માટે કહેવાતા સાધુ-સંતો કેમ ભગવાનનું અપમાન કરે છે? વારંવાર કરે છે અને હજુ પણ કરતાં જ રહેશે એવું લાગી રહ્યું છે. આવા સાધુઓનો બહિષ્કાર કેમ ના થઈ શકે? કેમ છીછરી માનસિકતા ધરાવતા સાધુઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે? આવા સવાલ એટલા માટે થઈ રહ્યા છે કે હજુ તો પ્રબોધ સ્વામી જૂથના સાધુ દ્વારા શિવજી વિશે કરાયેલા નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો શાંત પડ્યા નથી ત્યાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ 2 સાધુના સસ્તા વીડિયો સામે આવ્યા છે.
એક સ્વામીએ કહ્યું કે-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય જો ભેગા મળીને તમારું અહિત કરવાનું વિચારશે તોય તમારું અહિત નથી કરી શકવાના. આ ત્રણ દેવો પણ તમારું કંઈ ન કરી શકે તો પછી… ત્યારે બીજા એક સ્વામીએ એવું નિવેદન આપ્યું કે- એક હરિ ભગત સમાજમાં ખુબ આગળ પડતા હતા અને ચૂંટણી પણ જીતી ગયા. એટલે માનતા માનતા હોય એમ આ ભક્તે પણ ડાકોરની માનતા માનેલી હતી. એવું કહીને ખુબ હસવા લાગ્યા. પછી સંત આગળ વાત કરે છે કે સમાજમાં રહેતા હોય એટલે જવું તો પડે.. બાપાએ કહ્યું જાવ જાવ દર્શન દઈ આવો. વિચારો આપણું સ્ટેટસ શું છે….
વિગતો મળી રહી છે કે આ જે બે વીડિયો વાયરલ થયાં એમાં એક વીડિયોમાં પ્રેમ સ્વરૂપ સ્વામીએ ડાકોરના રાજા રણછોડની ઉપેક્ષા કરી છે. જ્યારે બીજા વીડિયોમાં સ્વામીએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણ ઈશ્વરના નામે ટીકા કરી છે. બંને સ્વામીના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ટીકાના સાધનો બનીને ઉભરી આવ્યા છે. ભક્તોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. બે દિવસ પહેલા વિદેશના એક કાર્યક્રમમાં વડોદરાના પ્રબોધસ્વામી જૂથના સંત સાધુ આનંદસાગરે તેનાથી બિલકુલ વિપરિત નિવેદન કરીને સંસારીઓ અને સાધુ સમુદાયમાં એક નવા વિવાદને છેડી દીધો હતો. ભગવાન શિવજી વિષે વાંધાજનક ટીપ્પણી કરતાં શિવભક્તોમાં રોષ વ્યાપ્યો હતો. બાદમાં સ્વામી આનંદસાગર બે હાથ જોડી માફી પણ માંગી હતી.
આજ ધર્મના સાધુ સંત અને સમુદાયના લોકો જો ધર્મ અને ભગવાનનું અપમાન કરે તો સમાજનો ચહેરો શરમથી ઝૂકી જાય એવી વાત અવાર નવાર સામે આવતી રહે છે. આ સમાજ એટલે હિંદુ ધર્મના કહેવાતા સંપ્રદાય, કહેવાતા સાધુઓ અને કહેવાતા સંતો છે. કેટલાક ધર્મમાં ક્યાક વાદ-વિવાદ છે, તો ક્યાંક આકરા સંવાદથી ચર્ચાઓ છે. હિંદુ સંપ્રદાયના સોખડા હરિધામના સ્વામી આનંદસાગરે શિવજી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિવાદ છેડ્યો હતો અને હવે ફરીથી આ બે વિવાદો સામે આવતા વધારે ખળભળાટ મચી ગયો છે.