વડોદરા જિલ્લાના વલવા ગામમાં રવિવારે એક હ્રદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં લોકોની નજર સામે મગરે એક યુવકને નદીની વચ્ચે જડબામાં દબાવીને તેના ટુકડા કરી નાખ્યા હતા. રેસ્ક્યુ ટીમના સર્ચ ઓપરેશન દરમિયાન લગભગ બે કલાક બાદ યુવકનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવક ઈમરાન દીવાનના ભાઈ જાવેદે જણાવ્યું કે ઈમરાન એક દરગાહમાં ગયો હતો. આ દરગાહ નદીના કિનારે આવેલી છે.
ત્યાંથી પરત ફરતી વખતે અચાનક તેનો પગ લપસી ગયો અને તે નદીમાં પડી ગયો. મગર પણ અહીં હાજર હતો. તેની બૂમો સાંભળીને આસપાસના લોકોએ પથ્થરમારો કરીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મગર તેને નદીમાં ખેંચી ગયો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે મગરો નદીઓમાંથી બહાર આવીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા છે. રસ્તાઓ પર મગર ફરતા હોવાની પણ લોકોએ ફરિયાદ કરી છે. તમને જણાવી દઈએ કે, વડોદરા શહેરની મધ્યમાં વહેતી વિશ્વામિત્ર નદી વિશ્વની ત્રીજી નદી છે જ્યાં સૌથી વધુ મગર છે. આ નદી દ્વારા મગરો અન્ય સ્થાનિક નદીઓમાં પહોંચે છે.