આજે રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર છે. આયોજકોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે. જો કે આ વચ્ચે બાબાનું એક નિવેદન સામે આવ્યું છે અને જેની ખુબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાને રામ સાથે સરખાવ્યા હોવાની વાત સામે આવી છે.
બાબા બાગેશ્વરે કહ્યું કે રામજી જ્યાં જાય ત્યાં રાવણ ઊભા થાય. મારી કોઈ પાર્ટી નથી, ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા છે. દિવ્ય દરબારમાં 12 સ્થળો પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્ય દરબારમાં પ્રવેશવા માટે 10 પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. 1 લાખ લોકો દિવ્ય દરબારમાં આવે તેવી શક્યતાઓ છે. પરંતુ એ પહેલા બાબાનો લૂક અને પાસ વાયરલ થતાં સવાલો ઉભા થઈ રહ્યા છે.
રેસકોર્સ મેદાનમાં કાર્યક્રમ સ્થળે 20 હજાર ખુરશી અને 1 હજાર સોફાની વ્યવસ્થા કરાઈ છે. આજે બાબાના કાર્યક્રમમાં 3 હજાર સ્વયંસેવકોની ટીમ પણ તૈનાત રહેશે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજે સાંજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. એક બાજુ લોકો ભારે તાપમાં પાસ લેવા કલાકોથી બેઠા છે, તો બીજી બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના પાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.