Bhavnagar News: ભાવનગરથી એક શોકિંગ સમાચાર સામે આવી રહ્યા છે. ગઢડાના કાળુભાર ડેમમાં ભાવનગરના હિરાના વેપારીએ આપઘાત કર્યો છે. ઘટનાને લઈને ગઢડા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી અને મૃતકના પુત્રનુ નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે.
કારણમાં એવું જાણવા મળી રહ્યું છે કે હાલ ભાવનગર પોપટની વાડીમાં રહેતા હિરાના વેપારીએ પોતાની માથે દેવું વધી જતાં ગઈકાલે સાંજના સમયે કાળુભાર ડેમમાં ઝંપલાવીને મોતને વહાલુ કર્યું હતું.
વિગતો મળી રહી છે કે ભાવનગર રહેવાશી લશ્કર નાગજી મકવાણા નામના વ્યક્તિએ પોતાના ઘરે પહેલા ફોન કરીને જાણ કરી હતી અને પછી ગત મોડી સાંજે કાળુભાર ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી નાખ્યું હતું. આ ઘટનાની જાણ થતા ગઢડા નગરપાલિકાનાં ફાયરની ટીમ દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ આજે બીજા દિવસે સવારે મૃતદેહ મળી આવ્યો અને હવે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
જો કે એક ચોંકાવનારી વાત એ પણ છે કે મૃતકના પુત્ર કિશન મકવાણાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. દીકરાએ કહ્યું કે પોતાના પિતાના અકાળે મોત અને આપધાતના પગલા માટે હિરાના ધંધામાં ખોટ ગઈ હતી અને લેણું થઈ ગયું હતું. તો વળી સાથે જ ભાવનગરના કેટલાક લોકો પૈસા બાબતે સતત ઉઘરાણી કરતા હતા અને ધાકધમકી આપતાં હતા જેથી આવું પગલું ભર્યું હતું.