બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં અનુસૂચિત જાતિના બાળકો સાથે શાળામાં ભેદભાવ રાખવાની ઘટના સામે આવી છે. કાંકરેજની આંગણવાડા શાળામાં વાલ્મિકી પરિવારના બાળકોને અન્ય બાળકોથી અળગા રખાતા તેમજ મધ્યાહન ભોજન વખતે શાળાના અન્ય બાળકોથી અલગ બેસાડતા હોવાના આક્ષેપો સાથે બાળકોની માતાએ ન્યાયની અપેક્ષા સાથે વીડિઓ વાયરલ કર્યા બાદ શિહોરી પોલીસ મથકે શાળાના આચાર્ય સામે ફરિયાદ નોંધાવતા હડકંપ મચી જવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વાલ્મિકી પરિવારના ૪ સંતાનો સાથે આચાર્ય દ્વારા ઓર્માયું વર્તન કરતા હોવાના વાલ્મિકી પરિવારે આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે.
વિદ્યાર્થીના વાલીએ આક્ષેપ કર્યા છે કે, શાળામાં અભ્યાસ સમયે અન્ય વિદ્યાર્થીઓથી તેમના બાળકોને અલગ બેસાડવામાં આવે છે તો માધ્યહન ભોજન સમયે અલગ બેસાડી ભોજન કરાવતા તેમજ શાળાની પાણીની પરબ પરથી પાણી ન પીવા દેતા હોવાના કારણે તેણે શાળામાં જઈને આચાર્યને ફરિયાદ કરતા આચાર્યે તેને જાતિ અપમાનીત શબ્દો બોલીને તેના બાળકોને શાળામાંથી કાઢી મુકતા તેને શાળાના આચાર્ય રમેશભાઈ ઠક્કર સામે બાળકોની માતાએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો છેલ્લા કેટલાય દિવસથી બાળકો શાળામાં ન જતા હોવાથી હવે તેમને ઘરે જ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે તો માસૂમ બાળકો પણ પોતાની સાથે શાળામાં ભેદભાવ થતો હોવાની વાત કરીને તેમને ન્યાય મળશે ત્યારે જ શાળામાં જવાનું કહી રહ્યા છે.
આ મામલે બાળકોની માતા લીલાબેન વાલ્મિકી નું કહેવું છે કે, અમારા ગામની શાળામાં અમારા વાલ્મિકી સમાજના બાળકોને અલગ બેસાડવામાં આવી રહ્યા છે પાણીના નળને પણ અડવા દેતા નથી. મેં શાળામાં જઈને વાત કરીતો આચાર્યે મને જાતિ અપમાનિત શબ્દો કહ્યા મેં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ શાળાની વિધાર્થિની રિના વાલ્મિકીનું કહેવું છે કે, હું બીજા ધોરણમાં અભ્યાસ કરું છું અમને શાળામાં અલગ બેસાડવામાં આવે છે નળને અડવા દેતા નથી. ઘરેથી પાણી લાવવાનું કહેવામાં આવે છે. વાલ્મિકી સમાજના પરિવાર દ્વારા પોતાના બાળકો સાથે શાળામાં ભેદભાવ કરવામાં આવતો હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે શાળાના આચાર્ય રજા ઉપર ઉતરી ગયા છે.
તો બીજી બાજુ શાળામાં મધ્યાહન ભોજન ચલાવનાર સંચાલકનું કહેવું છે કે, અમે છેલ્લા ૧૫ વર્ષથી શાળામાં બાળકો માટે ભોજન બનાવીએ છીએ. આજદિન સુધી કોઈ જ બાળકને અલગ ભોજન કરવા બેસાડ્યા નથી તમામ બાળકો સાથે જ ભોજન કરે છે. જે પણ આક્ષેપો થઈ રહ્યા છે તે તમામ ખોટા છે તો બીજી બાજુ આ ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી અને તે બાદ જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે, અમે આ મામલે દરેક રીતે તપાસ કરી છે હજુ સુધી અમને બાળકો સાથે ભેદભાવ થતો હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. જાે પુરાવા મળશે તો અમે ચોક્કસ કાર્યવાહી કરીશું. ત્યાં જ આ મામલે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારનું કહેવું છે કે, આ બાબતે અમે તપાસ કરાવી પણ અમને હજુ સુધી શાળામાં કોઈ ભેદભાવ થતો હોય તેવા પુરાવા મળ્યા નથી.
પોલીસ પણ તપાસ કરી રહી છે જાે પુરાવા મળશે તો અમે કડક કાર્યવાહી કરીશું. શાળામાં અનુસૂચિત જાતિના બાળકો સાથે ભેદભાવ થતા હોવાના આક્ષેપો લગાવીને બાળકોના વાલીઓ તેમને શાળામાં અભ્યાસ કરવા મુકતા નથી. જેથી એકબાજુ બાળકોના અભ્યાસ ઉપર અસર પડી રહી છે તો બીજી બાજુ આ મામલાને લઈને પોલીસ તેમજ શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે ત્યારે જાેવાનું એ રહ્યું કે આ મામલે સચ્ચાઈ શુ છે તે ક્યારે બહાર આવે છે અને બાળકો ફરીથી શાળાએ અભ્યાસ કરવા જાય છે કે નહીં?