રાજ્યમાં અને દેશમાં અવાર નવાર નકલી નોટોના કૌભાંડ સામે આવતા રહે છે. ત્યારે વધારે એક કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે અને આખા ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વિગતો છે કે ભાવનગરના ભરતનગર વિસ્તારમાંથી પણ ડુપ્લીકેટ નોટ છાપવાનું કૌભાંડ સામે આવ્યું છે. દિવાળીના તહેવારોમા જ દેશની આર્થિક કરોડરજ્જુને તોડી પાડવા અને રાતોરાત પૈસાદાર થવાના સપના જોતા લોકોની સંખ્યા વધી રહી છે. તેવામાં પોલીસને જબરી સાફળતા હાથ લાગી છે.
આ કેસમાં હાલમાં પોલીસે 1.39 કરોડની ડુપ્લીકેટ નોટ અને મશીનરી સાથે 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે વધુ તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ભરતનગર વિસ્તારમાં ગાયત્રીનગર નજીક શ્રી રામ સોસાયટીમાં ભાડાના મકાનમાં લાંબા સમયથી ડુપ્લીકેટ નોટનું આખું સામ્રાજ્ય ચાલતું હોવાનું બહાર આવ્યું છે. એસઓજી પોલીસને બાતમી મળતા પોલીસે ડુપ્લીકેટ નોટ લેવા આવેલા શખ્સને આબાદ ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સને ઝડપી તપાસ હાથ ધરતા જાલી નોટોનું કૌભાંડ ઉઘાડું પડ્યું હતું.
આરોપીઓના નામ સહિત જો વાત કરીએ તો હિરેન સિયાતર,હાર્દિક વાઘેલા, પંકજ સોનરાજ, અયુબ બિલખીયા, મેરારાજ લોઢાને એસઓજી પોલીસે ઝડપી તેની વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે 1.39 કરોડના દરની નોટો, કલર પ્રિન્ટર, ઝેરોક્ષ કમ સ્કેનર મશીન તેમજ રોકડ રૂપિયાના મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં વધુ ત્રણ શખ્સોની સંડોબણી ખૂલી છે. આ મામલે વધુ તપાસ માટે એસઆઇટીની રચના પણ કરવામાં આવી છે જે આગળની તપાસ ચલાવશે. જોકે અન્ય ત્રણ આરોપી સુરેશ આડેસરા, જાવેદ શરમાળી, મોહમ્મદ રફી કુરેશીને પકડી પાડવાની તજવીજ સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.