ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનીના સર્વેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કૃષિ વિભાગે આ સર્વેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો છે. કુદરત જાણે કે ગુજરાત પર રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. હોળીના તહેવારથી સતત બદલાતું જતું હવામાન એ વાતની સાબિતી છે. આમ તો ભરઉનાળે પણ માવઠું થતું હોય છે, પરંતુ હવે તો માર્ચ મહિના પછી એપ્રિલ મહિનામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે તે ખરેખર આશ્ચર્યજનક છે.
ચોમાસા આડે હજુ અઢી મહિનાની વાર છે તેમ છતાં જે રીતે વરસાદના મારથી લોકો અને તેમાં પણ ખાસ કરીને ખેડૂતોની કઠણાઈ બેસી છે તે કદાચ સૌથી પહેલી વખત છે. આને ગ્લોબલ વોર્મિંગનો પ્રતાપ ગણો કે પછી બીજુ કઈ પણ વાતાવરણના આકસ્મિક ફેરફારથી કાળઝાળ ગરમીના આ દિવસોમાં આકાશમાંથી વાદળો ગર્જી ગર્જીને વરસી રહ્યા છે, જેનાથી ખેડૂતોની આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી છે. ફાગણ મહિનામાં થયેલા કમોસમી વરસાદથી જગતના તાતના ઉભા પાકને ખાસ્સું એવું નુકસાન પહોંચ્યું હતું અને કુદરતે એપ્રિલમાં પણ એ જ પેટર્નથી ખેડૂતોને રોવડાવ્યા છે.
ગુજરાતના 13 જિલ્લાના 60થી વધુ તાલુકામાં ખેતીમાં નુકસાન
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીને ઘણું નુકસાન થયું છે. જેનો સર્વે રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવ્યો છે. કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનને લઈને કરવામાં આવેલો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે. કૃષિ વિભાગે સર્વેનો રિપોર્ટ ગુજરાત સરકારને સોંપ્યો છે. જે મુજબ ગુજરાતના 13 જિલ્લાના 60થી વધુ તાલુકામાં ખેતીમાં નુકસાન થયું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકાર ત્રણેક દિવસમાં સહાય જાહેર કરશે.
વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ
રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે. જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. સતત કમોસમી વરસાદને પગલે ખેડૂતોના તૈયાર પાકમાં નુકસાન થતા મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. અગાઉ વરસાદના કારણે સરકારે સર્વે કામગીરી કરી હતી, જોકે, ખેડૂતોને સહાય હજુ સીધી મળી નથી, ત્યાં ફરી માવઠું થતા ફરી સર્વે કરાવવાની સ્થિતિનું નિર્માણ થયું છે.