ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાનો CM ચહેરો જાહેર કરી દીધો છે. જો પાર્ટી જીતી તો ગુજરાતના નવા મુખ્યમંત્રી ઈશુદાન ગઢવી હશે. ત્યારે આ વાત પર આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ઈસુદાન ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં આવ્યાં છે અને મહેનત પણ કરી છે. સાબરમતિ જેલમાં અમે સાથે હતાં ત્યારે અમને ઘણું જ્ઞાન મળ્યું છે. હું ઈસુદાન ગઢવીની સૌથી નજીક છું. તેમને જનતાએ પસંદ કર્યાં છે.
તો વળી સાથે જ ઈસુદાનના માતાએ જય માં મોગલ અને જય દ્વારકાધિશ કહીને જણાવ્યું હતું કે, માતાજી તેને આશિર્વાદ આપે, બધા ભાઈઓ બહેનો તેને આશિર્વાદ આપજો. ઈસુદાનના પત્ની હિરલ ગઢવીએ પણ આ મામલે વાત કરતાં કહ્યું હતું કે, બધા મહાનુભાવોને મારા પ્રણામ, ઈસુદાનજીને આટલી મોટી તક આપી છે ત્યારે બધાનો આભાર માનું છું. માં મોગલ અને દ્વારકાધીશ એમને આશીર્વાદ આપે
આમ આદમી પાર્ટીએ (AAP)એ આખરે મહાસર્વેના પરિણામની સાથે ઈસુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા છે. AAPના સર્વેના પરિણામોની શુક્રવારે અમદાવાદમાં જાહેરાત કરતા પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઈસુદાનને ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 73 ટકા મત મળ્યા છે. આ સર્વેમાં ગુજરાતના 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ એક પરિવર્તનની ક્ષણ છે અને ગુજરાતની જનતા પણ હવે પરિવર્તન માગી રહી છે. પંજાબની જેમ અમે ગુજરાતમાં પણ જનતા પાસેથી અભિપ્રાય મેળવીને AAPના મુખ્યમંત્રીપદના ચહેરાનો નિર્ણય લીધો છે.