Gujarat News : ગુજરાતના (Gujarat) હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા ન હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગે રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ (System active) ન હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જે સિસ્ટમ બનેલી છે તેની ગુજરાત પર કોઈ અસર ન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ સહિતના ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ છે. શનિવારે કરવામાં આવેલી આગાહીમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે (Abhimanyu Chauhan) રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના શનિવારે કરેલી આગાહીમાં જણાવી હતી. જેમાં તેમણે દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી હતી. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં હળવા વરસાદની સંભાવનાઓ છે. શનિવારે કરેલી પાંચ દિવસની વરસાદની આગાહીમાં રાજ્યમાં ક્યાંય ભારે વરસાદ થવાની સંભાવના નથી.
આ સાથે વરસાદ અંગે કોઈ ચેતવણી ન હોવાનું પણ અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું. અમદાવાદમાં પણ હળવા વરસાદના કેટલાક સ્પેલ થવાની સંભાવના છે. હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. જેના કારણે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે, ભારે વરસાદ અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. શનિવારે આપેલી માહિતી મુજબ રાજ્યમાં સામાન્ય કરતા વધુ સિઝનનો 92 ટકા જેટલો વરસાદઅત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે.
કોસ્ટ એરિયામાં આગામી પાંચ દિવસ (5-9 ઓગસ્ટ) સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન સાથે વરસાદની સ્થિતિ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરિયામાં 40-45 કિલોમીટર પ્રતિ કલાક (ગસ્ટિંગ સાથે 65kmph) પવનની ગતિ રહેવાની શક્યતા છે.