રાજ્યમાં કમોસમી વરસાદે જમાવટ કરી છે. મોડીરાતથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. આવામાં ભરઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. દ્વારકામાં પણ તોફાની કમોસમી વરસાદ પડ્યો છે. ખંભાળીયા તાલુકાના હંજડાપર અને તેની આસપાસના ગામોમાં વરસાદ પડ્યો છે. અહીં સવારથી સતત વરસાદ વરસાદ ચાલુ છે. જ્યારે બપોરના સમયે અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદના પાણીથી ખેતરો જળબંબાકાર થયા છે.
બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ખરાબ હવામાનને લઇ બંધ કરાઈ છે. હવામાન ખાતાની આગાહી અને વરસાદને કારણે બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. પવનની ગતિને લઈને યાત્રિકોની સુરક્ષા કારણે નિર્ણય લેવાયો છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ફેરી બોટ જેટી પર ઊભી ન રહી શકતી હોવા સહિતના કારણોસર ફેરી બોટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યારે હવામાન સારું થતાં ફેરી બોટ સર્વિસ ફરી શરૂ કરાશે.
દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જ્યારે ખંભાળિયામાં કમોસમી વરસાદ શરુ થયો છે. ખંભાળિયા શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ખંભાળિયા તાલુકાના હંજરાપર, કેશોદ, વિંજલપર, ભાળથર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તેજ પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ જોવા મળ્યો છે.
ગુજરાતમાં હજુ આગામી પાંચ દિવસ દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારે તથા શનિવારે સવારે રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદી માહોલ છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છે. વરસાદના કારણે સૌથી વધુ કફોડી હાલત ખેડૂતોની થઈ છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે આગામી પાંચ દિવસ પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.