દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ ગ્લોબલ વોર્મિંગના ઈશ્યુ નડી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ હવે આ પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે અને ભાવનગર માટે તો મોટી ચિંતાનો વિષય બન્યો છે. ગ્લોબલ વોર્મિંગ દુનિયાભરના દેશો માટે ચિંતાનો વિષય હતો ત્યાં સુધી તો સરકારે ભલે ગંભીર ન લીધું પણ હવે ગુજરાત સરકારે ગંભીર લેવું પડશે કારણ કે, ગુજરાત 1600 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે અને ગ્લોબલ વોર્મિંગ તથા પીગળતા ગ્લેશિયરના કારણે, આગામી વર્ષોમાં ભાવનગર જિલ્લાના 36 જેટલા કોસ્ટલ ગામની ચિંતા વધી શકે એમ છે.
વાત જાણે કે એમ છે કે ગ્લેશિયર પિગળવાથી દરિયો વધારે ન વધારે આગળ વધી રહ્યો છે. હાલના સમયમાં પરિસ્થિતિ એવી છે કે અમાસ અને પૂનમની ભરતીના સમયે વારંવાર કાંઠા વિસ્તારના ગામડાઓમાં દરિયાના પાણી ઘુસી જાય તેવી સ્થિતિ આવીને ઉભી રહી છે. આગામી વર્ષોમાં આ બનાવો ચિંતાજનક સાબિત થઈ શકે એમાં કોઈ બે મત નથી. જો આપણે નિષ્ણાતોના સંશોધન અને અવલોકન પ્રમાણે વાતો કરીએ તો ઘોઘા, કુંડા, ગોપનાથ, મહુવા, નિષ્કલંકનો દરિયાઈ પટ્ટો છેલ્લા ત્રણ દાયકામાં 50થી 70 ફૂટ જેટલો આગળ આવી ગયો છે.
આ દરિયો આગળ આવવાના કારણે દરિયાઈ બીચનું ધોવાણ થયું છે, સાથે જ દરિયા કિનારે આવેલા 1,000 જેટલા માછીમાર પરિવારનાં ઘરોનું અસ્તિત્વ પણ જોખમમાં મૂકાયું છે. ભાવનગરના ઘોઘામાં ભરતી સમયે પાણી ઘુસી જવાના અનેક વખત બનાવો પણ બન્યા છે. જેને લઈને સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. હવે દરિયાઈ પાણી આગળ વધી રહ્યા છે અને કાંઠા વિસ્તારોમાં ધોવાણનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં આ ધોવાણને અટકાવવું ખુબ અનિવાર્ય બની ગયું છે.
જો કે આ બધા જ પ્રશ્નો સરકારને ખબર નથી એવું પણ નથી. આ માટે સ્થાનિક માછીમારો અને આગેવાનો દ્વારા વારંવાર તંત્ર અને સરકારમાં વોલ બનાવવા માટે અઢળક રજૂઆતો પણ કરવામાં આવી છે. પરંતુ આજ સુધી કોઈ નિવારણ આવ્યું નથી. ઘોઘામાં તો દરિયાઈ ધોવાણ અટકાવવા માટે બનાવવામાં આવેલી દિવાલ 30 વર્ષથી તૂટેલી છે. છતાં આજ સુધી તેનું સમારકામ કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.