કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જાેવા મળી રહેલા લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે જણાવતાં કહ્યું કે, આ રોગ નાથવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા વ્યાપક રસીકરણ અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. પશુપાલકોએ લમ્પી સ્કીન ડીસીઝથી ગભરાવાના બદલે તકેદારી રાખવાની જરૂર છે. મંત્રીએ ઉમેર્યું કે, હાલમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં આ રોગના લક્ષણો જાેવા મળ્યાં છે.
જેમાં દેવભુમિ- દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લાના પશુઓમાં આ રોગ જાેવા મળ્યો છે. મંત્રીએ પશુપાલકોને તકેદારી સાથે સતર્ક રહેવા અંગે અપીલ કરતાં જણાવ્યું હતું કે, જાે કોઈ પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો પશુપાલકોએ એનિમલ હેલ્પલાઈન નં. ૧૯૬૨ પર ફોન કરવો તથા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો.
જેથી સમયસર સારવાર અને રસીકરણ કરી અન્ય પશુંઓમાં આ રોગ ફેલાતો અટકાવી શકાય છે અને આ રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે. પશુપાલકોએ સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સૂચન મુજબ રોગીષ્ઠ પશુને સૌ પ્રથમ બીજા તંદુરસ્ત પશુઓથી અલગ કરવુ તથા તેના ખોરાક, પાણી અને માવજત અલગથી કરવી, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું, પશુઓના રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી, પશુ ચિકિત્સા અધિકારીની સલાહ મુજબ યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો.
જેથી આ રોગનું સંક્રમણ અટકાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે, જેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ રોગના લક્ષણો છે.
અમુક સંજાેગોમાં ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પણ પામે છે. મંત્રીએ રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે ખેતીમાં થયેલા નુકસાન સંદર્ભે જણાવતા કહ્યું કે, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેતીની જમીનનું ધોવાણ અને પાક નુકસાની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.