ગાંધીનગરના સેક્ટર-૨૬ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના પરિસરની ઓરડીમાં રહેતી મહિલા સાથે મોટો કાંડ થઈ ગયો. મહિલાનો આક્ષેપ છે કે, કેટલીક સ્ત્રીઓ ભીખારીના વેશમાં આવી હતી. બાદમાં આ ૭ સ્ત્રીઓએ તેમની પાસે રુપિયા ૨૦ની માંગણી કરી હતી. મહિલાએ ૨૦ રુપિયા આપવાનું ના પાડતા ભીખારીના વેશમાં આવેલી સ્ત્રીઓએ તેને બાથરુમમાં પૂરી નાખી હતી. બાદમાં ઓરડીમાં એક ડબ્બામાં રાખવામાં આવેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રુપિયા ૭.૮૦ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગઈ હતી.
આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો પતિ અને સાસુ એક સામાજીક પ્રસંગમાં બહાર ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગરના સેક્ટર ૨૬ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના પરિસરની ઓરડીમાં પરિવાર સાથે રહેતા સંગીતાબેન ગણપતભાઈ ઠાકોરે કરેલી ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે, તેમના પતિ અગાઉ અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. પરંતુ કોરોનાકાળમાં તેમનું મૃત્યુ થતા ઓરડી ખાલી કરાવી હતી.
શુક્રવારે તેઓ પોતાના પુત્ર સાથે કોઈ સામાજીક પ્રસંગથી બહાર ગયા હતા. જે બાદ તેઓ બપોરે ઘરે પરત ફર્યા હતા. તેઓને વિધવા પેન્શનની ફાઈલ કરાવવાની હોવાથી કાગળો લેવા જતાં પલંગ નીચે રાખવામાં આવેલો સ્ટીલનો ડબ્બો જાેવા મળ્યો નહોતો. આ સ્ટીલના ડબ્બામાં તેમના, તેમની પુત્રવધુ અને પૌત્રીના દાગીના તથા એક લાખ રુપિયા સહિત કુલ રુપિયા ૭.૮૦ લાખની મત્તા હતી. ડબ્બો ન દેખાતા તેઓએ પુત્રવધુ આરતીની પૂછપરછ કરી હતી. ત્યારે તેણે જણાવ્યું કે, સવારે તે બાથરુમમાં કપડા ધોઈ રહી હતી અને ચાર મહિનાની દીકરી ઓરડીમાં ઘોડિયામાં સૂઈ રહી હતી.
એ દરમિયાન ભીખારીના વેશમાં સાત જેટલી અજાણી સ્ત્રીઓ આવી હતી. તેઓએ રુપિયા ૨૦ની ભીખ માગી હતી, પરંતુ આરતીએ આપવાનો ઈનકાર કર્યો હતો. જેથી સાતમાંથી બે સ્ત્રીઓએ બાથરુમનો દરવાજાે બહારથી બંધ કરી દીધો હતો. આરતીએ બૂમાબૂમ કરી પણ આસપાસમાં કોઈ ન હોવાથી તે બાથરુમમાં પૂરાઈ રહી હતી. આ દરમિયાન કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ચાવી લેવા માટે આવ્યા ત્યારે તેને બાથરુમમાંથી બહાર કાઢી હતી.
બાદમાં આરતીએ પોતાની રડી રહેલી દીકરીને શાંત કરાવી હતી. જાે કે, ત્યારબાદ તેણે ઘરમાં કોઈ પણ જાતની તપાસ કરી નહોતી. એટલે એવી શંકા છે કે, ભીખારીના વેશમાં આવેલી સાત સ્ત્રીઓ આરતીને બાથરુમમાં પૂરીને રુપિયા ૭.૮૦ લાખના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને લઈ ગઈ છે. આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.