ગુજરાત સરકાર શિક્ષણ પાછળ ભલે બજેટમાં અબજાે રુપિયાની જાેગવાઈ કરતી હોય, પરંતુ રાજ્યની ૭૦૦ જેટલી સરકારી શાળા માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલે છે. આ વાતનો એકરાર ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કર્યો છે. સરકારે આપેલા જવાબ અનુસાર, કચ્છ જિલ્લામાં સૌથી વધારે ૧૦૦ શાળા એક જ શિક્ષકથી ચાલે છે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક શાળામાં ધોરણ ૧થી ૮નો સમાવેશ થાય છે. ત્યારે એક જ શિક્ષક બધા વિદ્યાર્થીઓને તમામ વિષય કઈ રીતે ભણાવતા હશે તે પણ વિચાર માગી લે તેવો પ્રશ્ન છે.
રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં એક જ શિક્ષક દ્વારા ચાલતી સરકારી પ્રાથમિક સ્કૂલોના આંકડા પર નજર કરીએ તો, કચ્છ બાદ સૌથી વધુ મહિસાગર જિલ્લામાં ૭૪, તાપી જિલ્લામાં ૫૯, સુરત જિલ્લામાં ૪૩, વડોદરા ૩૮, છોટાઉદેપુરની ૩૪, સાબરકાંઠાની ૩૨ સ્કૂલોનો સમાવેશ થાય છે. કુલ ૩૩ જિલ્લામાંથી માત્ર ભાવનગર અને ખેડા જિલ્લા જ એવા છે કે જેની તમામ સ્કૂલોમાં સરકારી ચોપડે એકથી વધુ શિક્ષકો કામ કરે છે.
જે જિલ્લામાં આવી સ્કૂલોની સંખ્યા સૌથી વધારે છે તેમાં મોટાભાગના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાનો સમાવેશ થાય છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં રાજ્યમાં બે વર્ષમાં કુલ ૮૬ સરકારી સ્કૂલો બંધ કરાઈ છે અને ૪૯૧ને મર્જ કરવામાં આવી છે તેવું પણ સરકાર દ્વારા જણાવાયું છે. જેમાં જામનગર જિલ્લામાં સૌથી વધારે ૧૪૪ સ્કૂલો મર્જ કરાઈ છે. વિપક્ષના આક્ષેપ અનુસાર, એક તરફ સરકાર ખાનગી શાળાઓને નવી મંજૂરીઓ આપી રહી છે.
ત્યારે બીજી તરફ સરકારી સ્કૂલો બંધ કે મર્જ થતાં આવી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને ઘણા કિસ્સામાં અભ્યાસ છોડી દેવાની પણ ફરજ પડે છે, અથવા તેમના વાલીઓને ઉંચી ફી ચૂકવવી બાળકોને પ્રાઈવેટ સ્કૂલોમાં ભણાવવા પડે છે. સરકારી સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનું જેમનું કામ છે તેવા પ્રાથમિક શિક્ષણાધિકારી અને કેળવણી નિરીક્ષકોની પણ અનેક જગ્યા રાજ્યમાં ખાલી પડી હોવાનો સરકારે એકરાર કર્યો છે.
આ અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ૧૯૩ જગ્યાઓ ભરાયેલી છે જ્યારે ૯૩ ખાલી પડી છે. જાેકે, કેળવણી નિરીક્ષકોની ખાલી પડેલી જગ્યાઓનો આંકડો ચિંતાજનક છે. સરકારના જણાવ્યા અનુસાર, આખા રાજ્યમાં ફરજ બજાવતા કેળવણી નિરીક્ષકની સંખ્યા માત્ર ૩૦ છે, જ્યારે તેમની ૫૬૩ જગ્યાઓ હાલ ખાલી પડી છે.
રાજ્યના ૧૭ જિલ્લા તો એવા છે કે જ્યાં કેળવણી નિરીક્ષક જ નથી. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ભાવનગર જિલ્લામાં કેળવણી નિરીક્ષકનું મંજૂર મહેકમ ૪૨નું છે, જેની સામે ૪૧ જગ્યાઓ ખાલી પડી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારમાં સૌથી વધુ નાણાંની જાેગવાઈ શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતી હોય છે. તાજેતરમાં રજૂ થયેલા વર્ષ ૨૦૨૨-૨૩ના ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે ૩૪,૮૮૪ કરોડ રુપિયાની જાેગવાઈ કરી છે. આ આંકડો ગયા વર્ષે ૩૨,૭૧૯ કરોડનો હતો.