રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ લો-પ્રેશરને કારણે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી ચૂક્યુ છે. આ આગાહી વચ્ચે સમાચાર આવ્યા છે કે હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર મધ્યપ્રદેશથી ઉત્તર ભારત તરફ વળી જઈ શકે છે. એટલે કે ગુજરાતમા આ સિસ્ટમની કોઈ અસર નહી જોવા મળે. આ જોતા હવે રાજ્યમાં નવરાત્રીમાં ધૂમધામથી ઉજવાશે. આ સમાચાર બાદ ખેલૈયાઓ મોજમા આવી ગયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ બાદ કચ્છમાંથી ચોમાસું વિદાય લેશે અને નવરાત્રીમાં વરસાદ નહી પડે. આ સાથે જ હજુ આવનારા 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં મેધમહેર યથાવત રહેશે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 22, 23 સપ્ટેમ્બરે મેધરાજા ધબધબાટી બોલાવી શકે છે. નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદ, ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે. આ સાથે બે દિવસ બાદ ચોમાસુ હવે વિદાય લે તેવી શક્યતા છે.
આ વર્ષે રાજ્યમાં ચોમાસાના તબક્કામા ભારે વરસાદ નોંધાયો છે અને નર્મદા ડેમ, ઉકાઇ ડેમ છલી વળ્યા છે. હજુ પણ ઉપરવાસના વરસાદને કારણે પુષ્કળ પાણીની આવક થઇ રહી છે જેથી બન્ને ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ તાપીમાં ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થતાં ડેમના 13 દરવાજા 4 ફૂટ ખોલાયા છે અને ડેમની ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ જ નીચે છે. આ સિવાય ભરૂચમાં નર્મદા ડેમમા પણ આ જ સ્થિતિ છે.