શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સાથે સ્વાઈન ફ્લૂ પણ માથું ઊંચકી રહ્યો છે. જાેકે, સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, કોરોનાથી સંક્રમિત દર્દીઓ સ્વાઈન ફ્લૂનો પણ શિકાર થઈ રહ્યા છે. આ બંને વાયરસથી સંક્રમિત હોય તેવા બે દર્દીઓના કેસ વડોદરામાં પ્રકાશમાં આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં બે વૃદ્ધ મહિલાઓ બંને વાયરસથી સંક્રમિત થઈ હતી. જાેકે, હાલ બંને સ્વસ્થ છે.
સ્વાઈન ફ્લૂના છૂટાછવાયા કેસ ૨૦૨૦ અને ૨૦૨૧માં નોંધાયા હતા પરંતુ એ પછી દર્દીઓ આ બંને વાયરસથી એકસાથે સંક્રમિત થયા હોય તેવા કેસ પ્રકાશમાં નથી આવ્યા. ગત વર્ષની સરખામણી કરીએ તો માત્ર ૧૬ કેસ સ્વાઈન ફ્લૂના નોંધાયા હતા જ્યારે શહેરમાં આ વર્ષે ૨૮ જુલાઈ સુધીમાં જ આ આંકડો ૮૭ પર પહોંચી ગયો છે. ઉપરાંત ૧૫ જૂન બાદ જ આ સંક્રમણમાં વધારો થયો છે.
ટિ્વન વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓમાંથી એકની સારવાર કરનારા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. ઉદ્ગીથ ઠાકરનું કહેવું છે કે, મહિલા દર્દીને ડાયાબિટીસ હતો અને તેઓ ઉત્તરાખંડ જઈ આવ્યા હતા. તેમને સ્વાઈન ફ્લૂનું સમયસર નિદાન થઈ જતાં ઓસેલ્ટામીવીરથી તેમની સારવાર થઈ હતી. ગત અઠવાડિયે શ્વાચ્છોશ્વાસની ગંભીર તકલીફથી પીડાતા દર્દીનું સારવાર દરમિયાન નિધન થયું હતું, તેઓ પણ સ્વાઈન ફ્લૂથી સંક્રમિત હતા.
૧૬૪ દિવસ બાદ ગુરુવારે ગુજરાતમાં કોરોનાના ૧૧૦૧ કેસ નોંધાયા હતા. ૧૬૩ દિવસ અથવા તો પાંચ મહિના બાદ રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો ૧૦૦૦ને પાર પહોંચ્યો હતો. અમદાવાદ શહેરમાં નવા ૩૬૪ કેસ નોંધાયા હતા, જે છેલ્લા ૧૫૦ દિવસમાં સૌથી વધારે છે. શહેરમાં કોરોનાના એક દર્દીનું મૃત્યુ થયું હતું અને આ સાથે આઠ દિવસમાં શહેરમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓનો આંકડો ૧૦ પર પહોંચ્યો છે.