વલસાડ જિલ્લામાં ખૂબ જ ચકચારી બનાવ સામે આવ્યો છે. અહીં ગુટખા ખાવા જેવી નજીવી બાબતમાં વલસાડના ભીલાડમાં એક યુવકે પોતાની જ વાગદત્તાનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. જે બાદમાં પોતાના અન્ય બે સાથીઓ સાથે મળીને આ મામલાને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. આ કેસમાં હત્યા થયાનું ખુલ્યા બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. વાગ્દત્તાની ર્નિમમ હત્યા કરનારા યુવક સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ વલસાડના ભીલાડ નજીક એક શ્રમિક પરિવારમાં જગદીશ જાદવ નામના યુવક અને નીતા ધનગરિયા નામની યુવતીની સગાઈ થઈ હતી. થોડા સમય બાદ બંનેના લગ્ન પણ થવાના હતા. બંને કામદાર યુગલ અને અન્ય કામદારો ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક આંબાવાડીમાં મજૂરી અર્થે ગયા હતા. આ દરમિયાન નીતા અચાનક ગુમ થઇ ગઈ હતી. જેથી નીતાની બહેન સુનિતાએ તેણીને શોધવાના પ્રયાસો શરૂ કર્યાં હતાં. આ દરમિયાન જગદીશે નીતા ક્યાં છે તેની જાણ ન હોવાનો ઢોંગ કર્યો હતો. જે બાદમાં તમામ લોકોએ શોધખોળ આદરી હતી.
આ મામલે વધુ તપાસ કરતા આંબાવાડીમાં આંબાના ઝાડ પરથી શંકાસ્પદ હાલતમાં લટકતી હાલતમાં નીતા મળી આવી હતી. મૃતકનો મંગેતર પણ સ્થળ પર પહોંચ્યો હતો. આ મામલે નીતાએ આત્મહત્યા કરી હોવાની થીયરી જગદીશે ઘડી કાઢી હતી અને ભીલાડ પોલીસ સમક્ષ રજુ કરી હતી. નીતાને સારવારના બહાને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. આ દરમિયાન તબીબોને શંકા પડતા ભીલાડ પોલીસનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલના સ્ટાફે યુવતીનું મૃત્યું શંકાસ્પદ લાગતા પોલીસને માહિતી આપી હતી.
ભીલાડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ દ્વારા આ મામલે ગંભીરતાથી તપાસ કરતા અંતે સત્ય સામે આવી ગયું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, નીતાએ આત્મહત્યા કરી ન હતી પરંતુ તેણીની ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા શંકાની સોય તેના મંગેતર જગદીશ જાદવ પર પડી હતી. પોલીસે જગદીશની અટકાત કરીને તેની પૂછપરછ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન યુવકે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
પોલીસ તપાસમાં હત્યાનું નીતાને વધારે પડતી ગુટખા ખાવાની આદત હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ કેસમાં જગદીશની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ આ ગુનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરનાર શૈલેશ નામના યુવકની પણ ધરપકડ કરી હતી. અન્ય એક કામદાર કે જેણે હત્યામાં ઉપયોગ લેવાયેલા દુપટાને છૂપાવી પુરાવાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુટખા ખાવાની આદતને પગલે જગદીશ અને નીતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદમાં જગદીશે નીતાની હત્યા કરી નાખી હતી.